ત્રાસવાદી પ્રવૃત્તિ માટેનું ભંડોળ એકત્ર કરવા માટે જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનની એમબીબીએસ સીટોનું વેચાણ કરવા બદલ શ્રીનગરની સ્પેશ્યલ કોર્ટે હુરિયતના અગ્રણી નેતા સહિત આઠ લોકો સામે આરોપો ઘડ્યા છે. આ આરોપીએ તબીબી અને બીજા ટેકનિકલ કોર્સની સીટોનું વેચાણ કરીને વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી જંગી નાણા ઉઘરાવ્યા હોવાનો અને તેનો ત્રાસવાદી પ્રવૃત્તિઓમાં ઉપયોગ કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

શ્રીનગરની સ્પેશ્યલ જજ એનઆઇએ કોર્ટે બિનકાયદેસર પ્રવૃત્તિ (નિવારણ) ધારાની વિવિધ કલમો હેઠળ ગુનો આચરવા માટે હુરિયત નેતા અને સાલ્વેશન મુવમેન્ટના ચેરમેન મોહંમદ અકબર ભાટ ઉર્ફે ઝફર અકબર ભાટ અને કાશ્મીરના બીજા સાત લોકો સામે આરોપનામું તૈયાર કર્યું છે.

આ અંગે સ્ટેટ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એસઆઇએ) 27 જુલાઈ 2020ના રોજ કેસ દાખલ કર્યો હતો. આરોપીઓએ પાકિસ્તાનની વિવિધ કોલેજો, શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં એમબીબીએસ અને બીજા પ્રોફેશનલ કોર્સમાં જમ્મુ અને કાશ્મીરના લોકોને એડમિશન માટે કેટલીક એજ્યુકેશન કન્સલ્ટન્સી એજન્સીઓ સાથે સાંઠગાંઠ કરી હતી. અકબર ભાટ ઉપરાંત બીજા આરોપીઓમાં ફામિતા શાહ, અલ્તાફ અહેમદ ભાટ (હાલમાં પાકિસ્તાનમાં) કાઝી યાસીર (ભાગેડુ), મોહંમદ અબ્દુલ્લા શાહ, સબઝાર અહેમદ શેખ વગેરેનો સમાવેશ થાય છે.

અધિકારીઓ જણાવ્યું હતું કે એડમિશનના બદલામાંથી વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી જંગી નાણા ઉઘરાવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ જમ્મુ અને કાશ્મીરમાં ત્રાસવાદને ભડકાવવા માટે થતો હતો. તપાસ દરમિયાન આરોપીના ઘર અને બીજા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન દસ્તાવેજો અને બીજા પુરાવા મળી આવ્યા હતા.