Tesla again showed interest in India
(Photo by Maja Hitij/Getty Images)

ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એલન મસ્કની નજર હવે ભારતના ટેલિકોમ ઉદ્યોગ પર છે. તેમની કંપની સ્પેસ એક્સપ્લોરેશન ટેક્નોલોજીસ કોર્પોરેશન (સ્પેસએક્સ) સ્ટારલિંક પ્રોજેક્ટ મારફત ભારતમાં પ્રવેશ કરવાની યોજના બનાવી રહી છે. મસ્ક 100 એમબીપીએસ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા દ્વારા ઝડપથી વિકસતા ભારતીય દૂરસંચાર ઉદ્યોગમાં પોતાનું નસીબ અજમાવવા માંગે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મસ્કએ ભારત સરકારને દેશમાં સેટેલાઇટ આધારિત બ્રોડબેન્ડ ટેક્નોલોજીને મંજૂરી આપવા વિનંતી કરી છે. ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ ગયા વર્ષે ઓગસ્ટમાં દેશમાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે એક ચર્ચાપત્ર બહાર પાડ્યું હતું. તેના જવાબમાં સ્પેસએક્સના સેટેલાઇટ ગવર્નમેન્ટ અફેર્સ પેટ્રિશિયા કૂપરે કહ્યું જણાવ્યું હતું કે સ્ટારલિંકનું હાઇ સ્પીડ સેટેલાઇટ નેટવર્ક બ્રોડબેંક કનેક્ટિવિટીથી ભારતના તમામ લોકોને જોડવાના લક્ષ્યમાં મદદ કરશે.

તેમણે જણાવ્યું હતું કે તેમની સેવાથી તે બધા લોકોને ફાયદો થશે જેમને હાલમાં બ્રોડબેન્ડ સેવાથી વંચિત છે. તેમની સેવા ખૂબ જ સસ્તી હશે. જો ટ્રાઈ તેની શરતો માને તો સ્પેસએક્સ ટૂંક સમયમાં ભારતમાં સ્ટારલિંક શરૂ કરી શકે છે. સ્પેસએક્સનો સ્ટારલિંક પ્રોજેક્ટ પૃથ્વીની ભ્રમણકક્ષામાં નીચલી કક્ષામાં રહેલ ઉપગ્રહોનો એક સમૂહ છે જેના દ્વારા વિશ્વના દૂરના વિસ્તારોમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શન પ્રદાન કરી શકાય છે.અત્રે નોંધનીય છે કે આ પ્રોજેક્ટને જિયો માટે ખતરો ગણી શકાય તેમ છે. સ્ટારલિંક આવાથી વપરાશકારોને એક શ્રેષ્ઠ સુવિધા મળવાની આશા છે. સ્પેસએક્સે અત્યાર સુધી આ સર્વિસ માટે આશરે 1,000 સેટેલાઇટ છોડ્યાં છે. કંપનીના જણાવ્યા અનુસાર ઇન્ટરનેટની સ્પીડ 50 Mbpsથી 150 Mbpsની વચ્ચે રહે છે.