Getty Images)

ગુજરાતમાં 2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારે સિંહની સંખ્યા 523 થઇ હતી. 2020માં સિંહોની સંખ્યામાં વધારો થયો છે અને સંખ્યા 674 થઇ છે. આથી પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં 151 સિંહનો વધારો થયો છે. વન વિભાગ દ્વારા 5 જુને એટલે પૂનમનાં દિવસે બપોરના 2 વાગ્યેથી છઠ્ઠી તારીખના બપોરના 2 વાગ્યા સુધી એટલે કે 24 કલાક સુધી સિંહ અવલોકન કરવામાં આવ્યું હતું.

વન વિભાગના સ્ટાફ દ્વારા દર મહિને પૂનમના દિવસે 24 કલાક દરમિયાન સિંહોનું અવલોકન કરવામાં આવે છે. આ અવલોકન છેલ્લા સાત વર્ષથી વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગુજરાતનું ગૌરવ ગણાતા ગીરના સિંહો જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર તથા રાજકોટ અને સુરેન્દ્રનગર સુધી વસવાટ કરતા નજરે પડી રહ્યા છે.

આમ સિંહની ડણક ગુજરાતના નવ જિલ્લાઓમાં ગરજી રહી છે. સિંહના સંવર્ધનનું કામ જુનાગઢના નવાબોએ શરૂ કર્યું હતું. તે સમયથી આજ સુધી ગુજરાતમાં સિંહની વસતીમાં સતત વધારો થયો છે. વર્ષ 2015માં છેલ્લે સિંહની ગણતરી થઈ હતી અને તે સમયે 27%નો વસ્તી વધારો નોંધાયો હતો.

વર્ષ 2015ની ગણતરી પ્રમાણે ગુજરાતના આઠ જિલ્લામાં 523 સિંહનો વસવાટ હોવાનું નોંધાયું હતું. 2020ના વર્ષમા પુખ્ત વયના નર સિંહ 161, માદા 260 તેમજ પાઠડામાં નર 45, માદા 49 અને વણઓળખાયેલા 22નો સમાવેશ થાય છે. જ્યારે સિંહબાળની સંખ્યા 137 થાય છે. આમ કુલ 674 સિંહો થાય છે.