REUTERS/Amit Dave/File Photo

ગયા મહિને ક્રેશ થયેલી એર ઇન્ડિયા ફ્લાઇટના બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતનું કોકપીટ રેકોર્ડિંગ સંકેત આપે છે કે વિમાનના કેપ્ટને બંને એન્જિનમાં ઇંધણનો પ્રવાહ કાપી નાખ્યો હતો, એવો અમેરિકાના અધિકારીઓના પ્રારંભિક મૂલ્યાંકનથી પરિચિત સૂત્રોને ટાંકીને વોલસ્ટ્રીટ જર્નલે બુધવારે દાવો કર્યો હતો.

વોલસ્ટ્રીટ જનરલે દાવો કર્યો હતો કે વિમાનના પાયલટે ફ્યુઅલ સ્વીચ બંધ કરી હતી. સ્વીચો ભૂલથી બંધ કરી હતી કે જાણી જોઇને તે અંગે સ્પષ્ટતા કરાઈ નથી. બંને એન્જિન માટે ફ્યુઅલ કટઓફ સ્વીચોને ઉડાન પછી થોડી જ ક્ષણો પછી માત્ર 1-સેકન્ડના અંતરાલમાં એક પછી એક કટઓફ સ્થિતિમાં ખસેડાઈ હતી. ટેકઓફ અને ક્રેશ વચ્ચેનો સમય ફક્ત 32 સેકન્ડનો હતો.

વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું હતું કે બોઇંગ 787 ડ્રીમલાઇનર ઉડાવતા ફર્સ્ટ ઓફિસરે વધુ અનુભવી કેપ્ટનને પૂછ્યું હતું કે તમે સ્વિચને “કટઓફ” સ્થિતિમાં કેમ ખસેડી. ફર્સ્ટ ઓફિસર ગભરાટમાં આવી ગયા હતા અને કેપ્ટન શાંત રહ્યાં હતાં. આ વિમાનમાં સુમિત સભરવાલ કેપ્ટન હતાં અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર હતાં.
ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ જારી કરેલા પ્રારંભિક તપાસ અહેવાલમાં બંને પાયલટ વચ્ચેની આ વાતચીતનો ઉલ્લેખ છે, પરંતુ ભારતના તપાસકર્તાઓએ એ સ્પષ્ટતા કરી ન હતી કે કેપ્ટન સુમિત સભરવાલ દ્વારા કઈ ટિપ્પણી કરવામાં આવી હતી અને ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદર દ્વારા કઈ ટિપ્પણી કરવામાં આવી હતી. આ બંને પાયલટને અનુક્રમે ૧૫,૬૩૮ કલાક અને ૩,૪૦૩ કલાકનો કુલ ઉડાનનો અનુભવ હતો.

વોલસ્ટ્રીટે એ સ્પષ્ટતા કરી ન હતી કે આ મૌખિક વાતચીત સિવાય તેની પાસે એવા કોઇ પુરાવા છે કે જે સંકેત આપે છે કે સભરવાલે ફ્યુઅલ સ્વીચ બંધ કરી હતી.

LEAVE A REPLY