06 સપ્ટેમ્બર, 2025 ના રોજ ટોરોન્ટોમાં રોય થોમસન હોલ ખાતે 2025 ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન "શોલે" ના પ્રીમિયરમાં મહેમાનો સાથે શિવેન્દ્ર સિંહ ડુંગરપુર, રમેશ સિપ્પી, બોબી દેઓલ અને કિરણ જુનેજા (Photo by Cindy Ord/Getty Images)

બોલીવૂડની ખૂબ જ ચર્ચિક ફિલ્મ ‘શોલે’ના રીસ્ટોરેટેડ 4K વર્ઝનનું 50મા ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર યોજાયું હતું, જેમાં બોબી દેઓલ, રમેશ સિપ્પી અને શેઝાદ સિપ્પી હાજર રહ્યા હતા. આ પ્રીમિયર શોમાં એવા અનેક બોલીવૂડ ચાહકો હતાં, જેમની આ ફિલ્મ જોઈ અનેક યાદો તાજા થઈ ગઈ હતી. લોકોએ અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રને અવિસ્મરણીય ભૂમિકાઓમાં અભિનય કરતા જોઈને આઇકોનિક ફિલ્મની યાદો તાજી કરી હતી. બોબી દેઓલે તેના પિતા, પીઢ અભિનેતા ધર્મેન્દ્રના બદલે ગાલા પ્રીમિયરમાં હાજરી આપી હતી.

પ્રીમિયરમાં શોલેના દિગ્દર્શક રમેશ સિપ્પી, નિર્માતા શેઝાદ સિપ્પી અને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન (FHF)ના ડાયરેક્ટર શિવેન્દ્ર સિંહ ડુંગરપુર પણ હાજર રહ્યા હતા. બોબી દેઓલે ફેસ્ટિવલમાં ચાહકો સાથે વાતચીત કરી, ઓટોગ્રાફ આપ્યા અને લોકો સાથે વાતચીત કરી હતી.

આ ગાલા સ્ક્રીનિંગ રોય થોમસન હોલમાં યોજાયું હતું, જેમાં 1,800 લોકો માટે બેસવાની જગ્યા હતી. 1975માં પહેલી વાર રિલીઝ થયેલી, શોલે બોલીવૂડનાં ઇતિહાસની સૌથી યાદગાર ફિલ્મોમાં સ્થાન ધરાવે છે.

તેના અવિસ્મરણીય સંવાદો, જીવન કરતાં વિશાળ પાત્રો અને રોમાંચક એક્શન સિક્વન્સ સાથે, આ ફિલ્મે દર્શકોની પેઢીઓ પર કાયમી છાપ છોડી છે. ધર્મેન્દ્રની બહાદુરીથી લઈને અમિતાભ બચ્ચનની જય તરીકેની અતિ લોકપ્રિય ભૂમિકા સુધી, દરેક દૃશ્ય ચાહકોને યાદ છે. શોલેના સદાબહાર ગીતો જેમ કે ‘યે દોસ્તી’, ‘મહેબૂબા મહેબૂબા’, ‘જબ તક હૈ જાન’, ‘હોલી કે દિન’ એ તેને ભારતીય સિનેમામાં યાદગાર બન્યા છે, આ એક ટ્રેન્ડ સેટર ફિલ્મ રહી છે.

રામગઢ નામના ગામ પર આધારિત વાર્તામાં, શોલે નિવૃત્ત પોલીસ અધિકારી ઠાકુર બલદેવ સિંહ (સંજીવ કુમાર)ની વાત કરે છે, જે ખૂંખાર ડાકુ ગબ્બર સિંહ (અમઝદ ખાન)ને મારવાનો એક માત્ર ઉદેશ્ય ધરાવે છે. તે આ હેતુને સિદ્ધ કરવા માટે, તે બે બહાદુર મિત્રો, જય(અમિતાભ બચ્ચન) અને વીરુ(ધર્મેન્દ્ર)ની મદદ લે છે. રામગઢ પહોંચ્યા પછી, આ જોડી ઝડપથી ગબ્બર સિંહના ભયની ગંભીરતાને સમજી જાય છે અને ઠાકુરને મદદ કરે છે. ફિલ્મમાં જયા બચ્ચન અને હેમા માલિની પણ રાધા અને બસંતી તરીકે છે, જે જય અને વીરુની પ્રેમિકાઓ છે. આજે પણ આ ફિલ્મ અનેક ફિલ્મ મેકિંગના વિદ્યાર્થીઓ માટે પણ સંશોધનનો વિષય છે.

LEAVE A REPLY