
સુપ્રીમ કોર્ટે બુધવાર, 24 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને બાયજૂ વચ્ચેના રૂ.158.9 કરોડ લેણાંની પતાવટને મંજૂરી આપતા NCLATના આદેશને પણ રદ કર્યો હતો. હવે કોર્ટે ક્રિકેટ બોર્ડે રૂ.158.9 કરોડની સેટલમેન્ટ રકમ કમિટી ઓફ લેણદારો (CoC) પાસે જમા કરાવવી પડશે. આ સોદાને અમેરિકાની લેણદાર કંપનીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
સર્વોચ્ચ અદાલતે નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહેલી ઓનલાઇન એજ્યુકેશન સર્વિસ કંપની બાયજૂની નાદારીની કાર્યવાહીને અટકાવતા નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના આદેશને પણ રદ કર્યો હતો. બાયજૂને મોટા ફટકા સમાન આદેશમાં સર્વોચ્ચ અદાલતે અમેરિકાની લેણદાર કંપની ગ્લાસ ટ્રસ્ટને કાનૂની કાર્યવાહીમાં સામેલ થવાનો હક હોવાનું પણ જણાવ્યું હતું.
ચુકાદાના પગલે હવે બાયજૂ રવીન્દ્રન અને તેમના ભાઈ રિજુ રવિન્દ્રન ફરીથી બાયજૂ પરનો અંકુશ ગુમાવશે. આ કંપનીનો અંકુશ હવે નાદારી રિઝોલ્યુશન પ્રોફેશનલ (IRP)ના હાથમાં પરત આવશે અને ફરી કાનૂની પ્રક્રિયા ચાલુ થશે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે અમેરિકાની કંપની બાયજૂની લેણદાર છે, તેથી તેને એનસીએલટી, એનસીએલએટી અને સર્વોચ્ચ અદાલતમાં અસરગ્રસ્ત પક્ષકાર તરીકે કોર્પોરેટ નાદારીની કાર્યવાહી સંબંધિત બાબતોમાં હસ્તક્ષેપ કરવાનો હક છે.
બાયજુ 2019માં ભારતીય ક્રિકેટ ટીમની સ્પોન્સર બની હતી, પરંતુ જૂન 2022 પછી ક્રિકેટ બોર્ડની સ્પોન્સરશીપ ફી ચુકવી શકી ન હતી. તેથી ક્રિકેટ બોર્ડ તેને નાદારી કોર્ટમાં ઢસડી ગયું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે ભારતનું આ એજ્યુકેશન સ્ટાર્ટ-અપ એક સમયે 22 બિલિયન ડોલરનું વેલ્યુએશન ધરાવતું હતું, પરંતુ ઝડપથી વિસ્તરણ કરવાના પ્રયાસમાં નાણાકીય મુશ્કેલીમાં મુકાયું છે.કંપનીએ તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે $19 મિલિયનના ચુકવણી વિવાદ કેસનું સમાધાન કર્યું હતું. જોકે બાયજૂ ગ્રુપની કંપનીમાં કેટલાંક લેણદારોનું પ્રતિનિધિત્વ કરતાં અમેરિકા સ્થિત ગ્લાસ ટ્રસ્ટ તેનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે બાયજુના સ્થાપક રવીન્દ્રન અને તેમના ભાઈએ BCCI લેણાંની ચુકવણી માટે ધિરાણકર્તાઓના બાકી નાણાંનો ઉપયોગ કર્યો છે. ડેલવેર બેન્કરપ્સી કોર્ટના ન્યાયાધીશ બ્રેન્ડન શેનને બીસીસીઆઈ સાથેના સેટલમેન્ટને અટકાવવા માટે કામચલાઉ આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો.










