(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શનિવારે યુએઇની મુલાકાત દરમિયાન ભારતીય રિઝર્વ બેન્ક અને યુએઇની સેન્ટ્રલ બેન્ક વચ્ચે બંને દેશોના આયાતકારો અને નિકાસકારોને સ્થાનિક ચલણો એટલે કે રૂપી અને દિરહામમાં પેમેન્ટ કરવાની છૂટ આપવા માટે કરાર થયાં હતાં. બંને દેશો વિશ્વભરમાં પેમેન્ટ માટે ઉપયોગ થતી સ્વીફ્ટ સિસ્ટમનો વિકલ્પ શોધવા સાથે મળીને કામ કરવા માટે પણ તૈયાર થયા હતા. આ સમજૂતીથી ભારત અને યુએઇના આર્થિક સંબંધો વધુ મજબૂત બનશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અબુ ધાબીની મુલાકાત દરમિયાન આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ અને યુએઈના તેમના સમકક્ષ ખાલેદ મોહમ્મદ બાલામાએ આ અંગેના સમજૂતીપત્ર પર હસ્તાક્ષ કર્યા હતા.

આ કરાર હેઠળ ભારત અને યુએઈ વચ્ચે સ્થાનિક ચલણોમાં લેવડ-દેવડ માટે સ્થાનિક ચલણ સેટલમેન્ટ સિસ્ટમ બનાવવાના આશયથી ફ્રેમવર્ક બનાવાશે, જેથી દ્વિપક્ષીય લેવડ-દેવડમાં ભારતીય રૂપિયા અને યુએઈના દિરહામને પ્રોત્સાહન આપી શકાય. સ્થાનિક ચલણ સેટલમેન્ટ સિસ્ટમ બનાવવાથી નિકાસકાર અને આયાતકાર તેમના ચલણમાં બિલ બનાવી શકશે અને ચૂકવણી કરી શકશે. તેનાથી રૂપિયા અને એઈડીને વિદેશી ચલણ વિનિમય બજાર વિકસાવવામાં મદદ મળશે. તેનાથી બંને દેશો વચ્ચે રોકાણ અને રેમિટન્સને પ્રોત્સાહન મળશે.

પેમેન્ટ અને મેસેજિંગ સિસ્ટમ માટે પણ કરાર કરાયો હતો. બંને કેન્દ્રીય બેન્ક તેમની ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમ ભારતની યુપીઆઈ અને યુએઈની આઈપીપીને જોડવામાં સહયોગ કરવા પર સંમત થયા છે. આ સાથે જ રૂપે સ્વિચ અને યુએઈસ્વિચને પણ જોડવામાં આવશે. નાણાકીય ક્ષેત્રે આ બે કરાર ઉપરાંત અબુ ધાબીમાં આઈઆઈટી દિલ્હીનું કેમ્પસ સ્થાપવા માટે પણ કરાર કરવામાં આવ્યો છે. ભારતના શિક્ષણ મંત્રાલય અને અબુધાબીના શિક્ષણ તથા માહિતી વિભાગે અખાત દેશમાં આઈઆઈટી દિલ્હીનું કેમ્પસ સ્થાપવા માટે સમજૂતી કરાર કર્યા હતા.

LEAVE A REPLY

2 × 1 =