ગોવિંદાને તાજેતરમાં પોતાના ઘરમાં જ ભૂલથી પોતાની લાયસન્સવાળી રીવોલ્વરથી પગમાં ગોળી વાગી ગઇ હતી. આ રહસ્યમય ઘટનાથી બોલીવૂડમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનાના કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે. બોલીવૂડમાં માત્ર ગોવિંદા જ નહીં પરંતુ એવા પણ કેટલાક કલાકારો છે જેમની પાસે બંદૂક રાખવાનું લાયસન્સ છે. અહીં કેટલાક એવા કલાકારો વિશે વિગત આપવામાં આવી છે.
સલમાન ખાન
સલમાનને 2022માં, હત્યાની ધમકીઓ મળ્યાના લગભગ એક મહિના પછી, તેને બંદૂકનું લાયસન્સ આપવામાં આવ્યું હતું. સલમાને અરજી કર્યા પછી મુંબઈ પોલીસે લાઇસન્સ જાહેર કર્યું હતું. તેની અરજીમાં, સલમાને જણાવ્યું હતું કે તેને લોરેન્સ બિશ્નોઈની ગેન્ગના સભ્યો તરફથી મળેલી ધમકીઓને કારણે “સ્વ-બચાવ” માટે બંદૂકની જરૂર હતી.
સોહા અલી ખાન
પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોરની દીકરી અને સૈફ અલી ખાનની અભિનેત્રી બહેન સોહા અલી ખાન પાસે 2005માં .22-બોરની રાઈફલ હતી, જેમાં 3 વર્ષનો રીન્યુઅલ સમયગાળો હતો. જોકે, વાઇલ્ડલાઇફ એક્ટિવિસ્ટ નરેશ કડિયાએ તેની સામે ફરિયાદ નોંધાવ્યા પછી તેનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે સગીર છે અને લાયસન્સ મેળવવા માટે તેણે પોતાના પદનો ઉપયોગ કર્યો હતો.
અમિતાભ બચ્ચન
મુંબઇમાં 26/11ના થયેલા ત્રાસવાદી હુમલા પછી બોલીવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને પોતાના માટે રીવોલ્વર ખરીદી હતી. તેમણે તેમના બ્લોગમાં જણાવ્યું હતું કે સૂતા પહેલા, તેમણે પોતાની લાયસન્સવાળી .32 રિવોલ્વર કાઢી, તેને લોડ કરી અને તેને પોતાના અને તેના પરિવારને બચાવવા માટે તેના ઓશીકા નીચે મૂકી હતી.
સંજય દત્ત
સુનિત દત્ત અને નરગિસના વિવાદસ્પદ અભિનેતા પુત્ર સંજય દત્ત એક સમયે તેની પાસેથી મળેલી બંદૂકને કારણે જેલમાં જવું પડ્યું હતું. તેણે AK-56 રાઈફલ અને દારૂગોળો રાખવાની કબૂલાત કરી હતી અને કહ્યું હતું કે ડિસેમ્બર 1992માં બાબરી મસ્જિદના ધ્વંસ પછી મુંબઈમાં થયેલા રમખાણો દરમિયાન તેને મળેલી ધમકીઓ બાદ તેણે પોતાના પરિવારની સુરક્ષા માટે બંદૂક રાખી હતી.
પૂનમ ધિલ્લોન
પીઢ અભિનેત્રી પૂનમ ધિલ્લોન પાસે પણ એક બંદૂક છે, જે તે પોતાના રક્ષણ માટે ઘરમાં રાખે છે. ઘણા વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે તેની પાસે બંદૂક છે, પરંતુ તે તેની સાથે નથી રાખતી.
રવિ કિશન
મૂળ ભોજપુરી ફિલ્મોના અભિનેતામાંથી રાજનેતા બનેલા રવિ કિશન પાસે લાયસન્સવાળી બંદૂક, રાઈફલ અને રીવોલ્વર છે.
સની દેઓલ
એક્શન અભિનેતા સની દેઓલ પાસે લાયસન્સવાળી રીવોલ્વર છે, જેનો ઉલ્લેખ તેમણે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતી વખતે સોગંદનામામાં કર્યો હતો. એવું પણ કહેવાય છે કે ફિલ્મ સિંહ સાહેબ ધ ગ્રેટના શૂટિંગ દરમિયાન તેણે પોતાની પિસ્તોલનો ઉપયોગ કર્યો હતો.