ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે 19 ફેબ્રુઆરી 2021ના રોજ નવી દિલ્હીમાં ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોને સંબોધન કર્યું હતું. (PTI Photo)

ભારત સરકારના કૃષિ કાયદાના વિરુદ્ધમાં દિલ્હીના સીમાડે ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે રવિવારે જણાવ્યું હતું કે તેઓ કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા આંદોલન માટે ટેકો મેળવવા ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાતે આવશે. દિલ્હી-ઉત્તરપ્રદેશ સરહદ પર ગાઝીપુર ખાતે ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોના જૂથને મળ્યા બાદ ટિકૈતે આ જાહેરાત કરી હતી.

ગુજરાતના ગાંધીધામના ખેડૂતોના જૂથે ટિકૈતને ચરખો ભેટ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીએ બ્રિટિશરોને ભારતમાંથી હાંકી કાઢવા માટે ચરખાનો ઉપયોગ કર્યો હતો. હવે અમે આ ચરખાનો ઉપયોગ કરીને મોટી કંપનીઓને ભગાવીશું. અમે ટૂંક સમયમાં જ ગુજરાતની મુલાકાતે જઈશું અને નવા કાયદાઓને રદ કરવા માટે ખેડૂતોનું સમર્થન માગીશું.

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તાએ દાવો કર્યો હતો કે આખરે ખેડુતો તેમની કૃષિ પેદાશોનો કોઈ હિસ્સો લઈ શકશે નહીં, કારણ કે નવા કાયદા ફક્ત કોર્પોરેટરોની તરફેણ કરે છે. બીકેયુ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘અમે આવી સ્થિતિ નહીં થવા દઈશું. અમને ફક્ત આની ચિંતા છે અને અમે એવું થવા નહીં દઈએ કે આ દેશનો પાક કોર્પોરેટ નિયંત્રિત કરે.