પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ટોરેન્ટોમાં મંગળવારે ઇન્ડિયન કોન્સ્યુલેટ બિલ્ડિંગની નજીક એક શંકાસ્પદ પેકેજ મળી આવતા અધિકારીઓ અને સ્ટાફ સહિત સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવ્યું હતું. ટોરેન્ટો પોલીસે આ પેકેજને કબજામાં લઇને તેનો નાશ કર્યો હતો. આ પેકેજ મંગળવારે સ્થાનિક સમય મુજબ બપોરે 3 વાગ્યે શેરબોર્ન સ્ટ્રીટ નજીકના બ્લૂર સ્ટ્રીટ પર આવેલી બિલ્ડિંગમાં નજીક મળી આવ્યું હતું. પોલીસે તપાસ ચાલુ કરીને એરિયાને કોર્ડન કર્યો હતો.

પોલીસે કથિત બોંબ ધમકીના અહેવાલોની તપાસ કરી રહી છે. જોકે તેની કોઇ વિગત જાહેર કરવામાં આવી નથી. ટોરેન્ટો પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ તપાસના સંદર્ભમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જોકે તે અંગે કોઇ વધુ વિગત આપવામાં આવી ન હતી.

ભારતના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેમણે આ ઘટના પછી સુરક્ષામાં વધારો કરવાની માગણી કરી છે. ટોરેન્ટો પોલીસ ઓપરેશન્સે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ઇમર્જન્સી ડિસ્પોઝલ યુનિટ સાવધાની સાથે એ પેકેજને ડિટોનેટ કર્યું હતું, તમે કદાચ આ વિસ્તારમાં ધડાકો સાંભળ્યો હશે. પેકેજને ડિટોનેટ કરવા માટે એક રોબોટનો ઉપયોગ કરવામાં આવ્યું હતો. આ પેકેજ એક સ્યુટકેસ હોવાનું માનવામાં આવે છે. ટોરેન્ટો ફાયર સર્વિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બે શંકાસ્પદ પેકેજ મૂકવામાં આવ્યાના અહેવાલ છે તથા તેની કેમિકલ, બાયોલોજિક, રેડિયોલોજિકલ, ન્યૂક્લિયર અને એક્સ્પ્લોસિવ ટીમ તપાસ કરી રહી છે.