અમેરિકાના પ્રેસિડેન્ટ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચીને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. જેને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના રોડ-રસ્તા રાતોરાત ચકાચક કરી દીધા છે. ઉપરાંત દીવાલો બનાવી કેટલીક જગ્યાઓને ઢાંકી રહ્યા છે. હવે ઈન્દિરાબ્રિજ પાસે આવેલી કેટલીક દુકાનોને આજે વહેલી સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે એકાએક સીલ કરી દીધી છે. દુકાનો સીલ થતાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. ઇન્દિરાબ્રિજ સર્કલ પાસે આવેલી કેટલીક દુકાનોને મ્યુનિ. હેલ્થ વિભાગે વગર કારણે સીલ કરી દીધી છે. દુકાન પર ચેતવણીનું બોર્ડ મારી લખી દેવામાં આવ્યું છે કે, “હેલ્થ વિભાગ ઉત્તર ઝોન દ્વારા આ સીલ મારવામાં આવ્યું છે. વગર મંજૂરીએ આ સીલ ખોલવા કે ચેડાં કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.” આવી નોટિસના બાય ઓર્ડરમાં કોઈ પણ અધિકારીની સહી નથી, છતાં નોટિસ ચીપકાવી દેવામાં આવી છે.નોંધનીય છે કે ઈન્દિરાબ્રિજ પાસે સરણ્યવાસ ખાતે દીવાલ બનાવ્યા બાદ હવે રાતોરાત એરપોર્ટ રોડ પર બહારની દુકાનો સીલ મારી દેવાતા લોકોમાં ફરી રોષ ફેલાયો છે.દુકાનો દબાણમાં ન આવતી તેમજ કોઈ ગંદકી કરતી ન હોવા છતાં પણ સીલ મારી દેતા AMCની કામગીરી શંકાના ઘેરામાં આવી છે.