REUTERS/Jorge Silva/File Photo/File Photo

યુક્રેનમાં યુદ્ધવિરામની ચર્ચાવિચારણા કરવા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રેસિડેન્ટ પુતિન વચ્ચે 15 ઓગસ્ટે આલાસ્કામાં શિખર બેઠક યોજાશે. આ અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી અને ક્રેમલિને પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે શિખર મંત્રણાનું આ સ્થળ ખૂબ જ તાર્કિક છે.

ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ એક અઠવાડિયામાં અલાસ્કામાં તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનને મળશે. યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે મોસ્કો અને કિવ વચ્ચેના કરારમાં પ્રદેશની અદલાબદલીનો સમાવેશ થઈ શકે છે. પ્રમુખ પુતિન અને પ્રમુખ ઝેલેન્સ્કી સાડા ત્રણ વર્ષથી ચાલી રહેલાં આ યુદ્ધનો અંત લાવવાનાં પહેલાં પગલાં તરીકે તત્કાળયુદ્ધ વિરામ માટે સહમત થયા છે.

પુતિનના વિશ્વાસુ સહાયક યુરી ઉશાકોવે જણાવ્યું હતું કે  યુક્રેન કટોકટીમાં શાંતિપૂર્ણ ઉકેલ માટે બંને નેતાઓ મંત્રણા કરવાના છે.

બીજી તરફ ઝેલેન્સ્કીએ રાષ્ટ્ર જોગ સંબોધનમાં કહ્યું હતું કે, લાંબા સમયથી થઈ રહેલાં યુદ્ધવિરામના દબાણ વચ્ચે રશિયા શાંતિ મંત્રણા માટે સંમત થયું છે. તેમણે વિશ્વના 12થી વધુ નેતાઓ સાથે વાતચીત કરી છે. યુક્રેનની ટીમ અમેરિકાના સતત સંપર્કમાં છે. ફેબ્રુઆરી 2022માં ચાલુ થયેલા યુદ્ધ પછી યુક્રેનના 4 પ્રદેશો લુહાન્કસ, ડોનેન્સક, ઝાપોર્ઝિયા અને ખેરસન પર રશિયાનો કબજો છે.

ટ્રમ્પ સાથે શિખર સંમેલન પહેલા પુતિને શુક્રવારે ચીન અને ભારતના નેતાઓ સાથે પરામર્શ કર્યો હતો, જેમણે પોતાના કાર્યકાળના પ્રથમ મહિનાઓ યુક્રેનમાં શાંતિ માટે મધ્યસ્થી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

LEAVE A REPLY