વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, તેમના એડમિનિસ્ટ્રેશને મુંબઇમાં 26/11ના ત્રાસવાદી હુમલાના મુખ્ય સૂત્રધાર તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. તહવ્વુર રાણાનું નામ ભારતીય તપાસ એજન્સીઓની મોસ્ટ વોન્ટેડ યાદીમાં હતું. હવે આ એજન્સીઓ તેને ભારત લાવીને તેની સામે કેસ ચલાવી શકશે. તહવ્વુર રાણાના પાકિસ્તાની-અમેરિકન ત્રાસવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે સંબંધો હોવાનું માનવામાં આવે છે, જે 26/11 હુમલાનો એક ષડયંત્રકાર છે.
ડોનાલ્ડ ટ્રમ્પે મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “આજે મને એ જાહેરાત કરતા ખુશી થાય છે કે મારા એડમિનિસ્ટ્રેશને વિશ્વના સૌથી ખરાબ લોકોમાંના એક અને મુંબઈમાં થયેલા ભયાનક ત્રાસવાદી હુમલાના મુખ્ય સૂત્રધારના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે. હવે તેને ભારતમાં ન્યાયનો સામનો કરવો પડશે.” જાન્યુઆરીમાં અમેરિકન સુપ્રીમ કોર્ટે રાણાની પ્રત્યાર્પણને મંજૂરી આપીને આ કેસમાં તેની સમીક્ષા અરજી ફગાવી હતી.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments