અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે બીબીસી સામે $10 બિલિયનનું વળતર માગતો બદનક્ષીનો દાવો માંડ્યો હતો. 2001માં યુએસ કેપિટોલ પરના ટ્રમ્પ સમર્થકોના હુમલા પહેલા ટ્રમ્પે આપેલા એક ભાષણને આધારે બીબીસીએ એક ડોક્યુમેન્ટરી બનાવી હતી. આ ડોક્યુમેન્ટરીમાં બીબીસીએ ટ્રમ્પના ભાષણને સંપાદિત (તોડીમરોડીને રજૂ કરવું) કરી કથિત રીતે એવું દર્શાવ્યું હતું કે ટ્રમ્પ હિંસાની હિમાયત કરે છે.
માયામીની ફેડરલ કોર્ટમાં દાખલ કરાયેલા મુકદ્દમામાં બ્રિટિશ પ્રસારણકર્તા સામે કથિત બદનક્ષી અને ફ્લોરિડા ડિસેપ્ટિવ એન્ડ અનફેર ટ્રેડ પ્રેક્ટિસ એક્ટના ઉલ્લંઘનના બે આરોપ મૂક્યા છે. આ પ્રત્યેક આરોપ માટે 5 બિલિયન ડોલરનું વળતર માંગવામાં આવ્યું છે.
અગાઉ ટ્રમ્પે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં મુકદ્દમો માંડવામાં આવશે. બીબીસીએ “મારા મોંમાં શબ્દો નાખ્યાં છે અને તેઓએ એઆઈ અથવા એવી કોઇ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે.
આ દસ્તાવેજી ફિલ્મ ગયા વર્ષે 2024ની ચૂંટણી પહેલા બીબીસીના “પેનોરમા” નામના કાર્યક્રમમાં પ્રસારિત કરાઈ હતી. બીબીસીએ આ ડોક્યુમેન્ટરીને તમામ મીડિયા પ્લેટફોર્મ પરથી પાછી ખેંચી લીધી હતી અને ટ્રમ્પની માફી પણ માગી લીધી હતી.
ટ્રમ્પની કાનૂની ટીમના પ્રવક્તાના નિવેદનમાં જણાવ્યા મુજબ પહેલાં સન્માનિય ગણાતી અને હવે બદનામ થયેલા BBCએ 2024ની પ્રેસિડન્ટની ચૂંટણીમાં દખલ કરવાના નિર્લજ્જ પ્રયાસમાં ઇરાદાપૂર્વક, દુર્ભાવનાપૂર્ણ અને છેતરપિંડીથી પ્રેસિડન્ટ ટ્રમ્પને બદનામ કર્યા હતાં. બીબીસી પ્રેસિડન્ટ ટ્રમ્પના કવરેજમાં તેના દર્શકોને છેતરવાનો લાંબો ઇતિહાસ ધરાવે છે અને ડાબેરી રાજકીય એજન્ડાને આગળ ધપાવે છે.
અગાઉ બીબીસીએ માફી માગી હતી, પરંતુ દાવા માટે કોઈ કાનૂની આધાર સાથે અસંમત થઈને વળતરનો ઇનકાર કર્યો હતો. જોકે ટ્રમ્પે કહ્યું હતું કે બીબીસીની માફી પૂરતી નથી. જ્યારે તમે કહો છો કે તે અજાણતા થયું છે, તો મને લાગે છે કે જો તે અજાણતા થયું હોય, તો તમે માફી નથી માંગતા. આ મુદ્દે બીબીસીના બે ટોચના અધિકારીઓએ રાજીનામા આપવા પડ્યા હતાં.













