વ્હાઇટ હાઉસ નજીક એક અફઘાન નાગરિકે બે નેશનલ ગાર્ડ પર કરેલા ફાયરિંગના એક સપ્તાહ પછી અમેરિકાએ ઘણા ગ્રીનકાર્ડ અરજદારો અને અન્ય પ્રોટેક્ટેડ ઇમિગ્રન્ટ્સને આપવામાં આવેલી વર્ક પરમિટની માન્યતા પાંચ વર્ષથી ઘટાડી માત્ર 18 મહિના કરવાની જાહેરાત કરી હતી. આનો અર્થ એવો થાય છે કે હવે આવા ઇમિગ્રન્ટ્સે દર 18 મહિને વર્ક પરમિટ રિન્યૂ કરાવવી પડશે. ઇમિગ્રન્ટ્સ સામેના આ નવા નિયમથી ભારતના હજારો પ્રોફેશનલ્સને મોટી અસર થવાની ધારણા છે. આનાથી શરણાર્થીઓ, આશ્રય માગનારાઓ અને સ્ટેટસમાં ફેરફારની રાહ જોઇ રહેલા અરજદારો પર પણ અસર પડશે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS)એ તેના પોલિસી મેન્યુઅલને અપડેટ કરીને આ નવા નિયમનો સમાવેશ કર્યો છે. ઇમિગ્રેશન પ્રોસિજરને કડક બનાવવાનું અમેરિકાનું આ એક વધુ પગલું છે. ગયા સપ્તાહે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે USCISને 19 દેશોના દરેક કાયમી રહેવાસીના ગ્રીનકાર્ડની વ્યાપક તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. અમેરિકાએ આ 19 દેશોને ચિંતાજનક દેશો અથવા જોખમી દેશો તરીકે વર્ગીકૃત કરેલા છે.
ઇમિગ્રેશન એજન્સીએ જણાવ્યું હતું કે 5 ડિસેમ્બર, 2025ના રોજ અથવા તે પછી દાખલ કરાયેલ અથવા પેન્ડિંગ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન (વર્ક પરમિટ)ની અરજીને લાગુ પડે છે. સિક્યોરિટી ચેકિંગમાં વધારો કરવા માટે આ નિર્ણય કરાયો છે. એમ્પ્લોયમેન્ટ ઓથોરાઇઝેશન માટે મહત્તમ વેલિડિટી પીરિયડ ઘટાડવાથી ખાતરી થશે કે યુએસમાં કામ કરવા માંગતા લોકો જાહેર સલામતીને જોખમમાં ન મૂકે અથવા હાનિકારક અમેરિકન વિરોધી વિચારધારાઓને પ્રોત્સાહન ન આપે.
5 ડિસેમ્બર (યુએસ સમય)થી અમલમાં આવેલા ફેરફારોથી ગ્રીનકાર્ડની અરજી કરનારા તેમજ શરણાર્થીઓ, આશ્રય માગનારા સહિતના પ્રોટેક્ટેડ લોકોએ વધુ વખત વર્ક પરમિટ રિન્યૂ કરાવવી પડશે. આ પગલાથી ઘણા વર્ષોથી જેમની અરજીઓ પેન્ડિંગ છે તેવા હજારો ઇમિગ્રન્ટ્સને અસર થશે. ઇમિગ્રન્ટ્સના હિમાયતીઓએ જણાવ્યું હતું કે અરજદારોને દર 18 મહિને અથવા તો વાર્ષિક ધોરણે વર્ક પરમિટ રિન્યુ કરાવવાની ફરજ પાડવાથી હાલમાં રેકોર્ડ સ્તરે રહેલી પેન્ડિંગ અરજીઓમાં વધુ વિલંબ થશે.













