(istockphoto)

વૈશ્વિક સ્તરે અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાની પરંપરા છે ત્યારે યુનાઈટેડ આરબ અમિરાત (યુએઇ) વિશ્વનો એવો પ્રથમ દેશ બન્યો છે જ્યાં સાપ્તાહિક ધોરણે કામના કલાકો ઘટાડવામાં આવ્યા છે. યુએઇમાં સાડા ચાર દિવસનું અઠવાડિયું નક્કી કરવામાં આવ્યું છે. હવે આ મુસ્લિમ બહુમતી ધરાવતા આરબ દેશમાં શુક્રવારે રજા નહીં રહે, અડધો દિવસ કામ રહેશે. પછી શનિ-રવિ અઠવાડિક રજા રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

દેશની અધિકૃત ન્યૂઝ એજન્સી WAMના રીપોર્ટ મુજબ, આ ‘નેશનલ વર્કિંગ વીક’ સરકારી સંસ્થાઓ માટે જાન્યુઆરીથી ફરજિયાત કરવામાં આવશે, અને તેનો મુખ્ય હેતુ કામની સાથે અંગત, સામાજિક જીવનનું સંતુલન સાધવા અને સામાજિક સ્વસ્થતા વધારવા અને દેશની આર્થિક સ્પર્ધાત્મકતા સુધારવાનો છે.

શનિવાર-રવિવારે વીકેન્ડ જાહેર કરનાર યુએઇ પ્રથમ અખાતી દેશ છે અને તે આ વ્યવસ્થા ગોઠવીને બીજા બિન-આરબ વિશ્વની સાથે જોડાશે. આ વીકેન્ડ મુસ્લિમ દેશોમાં દિવસે નમાઝ અદા કરાતી હોય છે ત્યારે શુક્રવારે બપોરે શરૂ થશે.