ફાઇલ ફોટો (Photo by Peter Summers/Getty Images)

યુકેના પંજાબી મૂળના સાંસદ તનમનજીત સિંહ ઢેસીને ગુરુવાર, 3 ઓગસ્ટની સવારે ભારતીય ઇમિગ્રેશન સત્તાવાળાએ અમૃતસર એરપોર્ટ પર બે કલાક સુધી કથિત રીતે રોકી રાખ્યાં હતા. તેઓ સવારે 9 વાગ્યે બર્મિંગહામથી એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI-118) મારફતે અમૃતસર પહોંચ્યાં હતાં. ઢેસી પાસે ઓવરસીઝ સિટીઝનશિપ ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ ન હોવાથી તેમને રોકી રાખવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. જોકે આ અંગે ભારત સરકાર તરફથી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું ન હતું. ઢેસી યુકેની સંસદ અને અન્ય મંચો પર શીખ સમુદાયના મુદ્દાઓ ઉઠાવવા માટે જાણીતા છે.

સાંસદ તનમનજીત સિંહ ઢેસીએ એક નિનેદનમાં જણાવ્યું હતું કે “ગયા વર્ષે ભારતમાં ઉતરાણ કર્યા પછી, (ખેડૂતોના વિરોધ દરમિયાન માનવ અધિકારો માટે જોરદાર રીતે બોલવાના કારણે) મને ઘણા ભારતીય, ખેડૂત યુનિયનો અને નાગરિક સમાજ તરફથી અપાર પ્રેમ અને આદરની અનુભૂતિ થઈ હતી. પરંતુ આજે મને અમૃતસર એરપોર્ટ પર 2 કલાકથી વધુ સમય માટે રોકી લેવાના કારણે અપમાન જેવું લાગ્યું. કારણ કે કેટલાક દ્વેષીઓએ મારા માન્ય OCI વિઝા સસ્પેન્ડ કરવા ફરિયાદ કરી હતી.’’

 

‘’અફવાઓ હોવા છતાં, પરિવાર, મિત્રો અને સમર્થકોના મજબૂત હસ્તક્ષેપને કારણે, ત્યાંના અધિકારીઓ સાથે આ મુદ્દો સંપૂર્ણ રીતે ઉકેલાઈ ગયો હતો, જેમનો હું ખૂબ આભારી છું. પંજાબ, ભારત અને વ્યાપક ઉપખંડના ભલા માટે સતત ઈચ્છા ધરાવતા અને કામ કરતા એક સાંસદ તરીકે પણ, હું માનું છું કે ખેડૂતો, શીખો જેવા હાંસિયામાં ધકેલાઈ ગયેલા વંચિત લોકો અને લઘુમતીઓ સાથે એકતામાં ઊભા રહેવાની કિંમત ચૂકવવી પડશે.”

પંજાબના રાજકીય પક્ષ શિરોમણી અકાલી દળ (એસએડી)એ શુક્રવારે આ મુદ્દે ઢેસીને સમર્થન આપ્યું હતું. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “અમૃતસર એરપોર્ટ પર અગ્રણી શીખ NRI અને બ્રિટિશ સાંસદ તનમનજીત ઢેસીને અટકાયતમાં લેવા અને હેરાન કરવા  અત્યંત દુ:ખદ કૃત્ય છે. દેશભક્ત શીખ સમુદાયના અગ્રણી અને આદરણીય સભ્યો સાથેના આવા વર્તનથી ખૂબ જ નકારાત્મક સંદેશ જાય છે.”

બાદલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને શીખ સમુદાયના સભ્યો સાથેના આવા અપમાનજનક વર્તનને રોકવા માટે વ્યક્તિગત રીતે દરમિયાનગીરી કરવા વિનંતી કરી હતી. ઢેસી 8 જૂન 2017થી સ્લાવના લેબર સાંસદ છે.

LEAVE A REPLY

10 + 10 =