Golden Bar Ganesha

યુકેની રોયલ મિન્ટે 31 ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીના આગલા દિવસે વેચાણ માટે ભગવાન ગણેશનું ચિત્ર કોતરેલી 24 કેરેટની નવી સોનાની બાર લોન્ચ કરી છે. 20-ગ્રામ વજનની “999.9 ફાઇન ગોલ્ડ” ગણેશ બુલિયન બારનું આ અઠવાડિયાથી ઓનલાઈન વેચાણ શરૂ થશે જેની કિંમત £1,110.80 છે. રોયલ મિન્ટ દ્વારા 24-કેરેટની દેવી લક્ષ્મી ગોલ્ડ બાર ગયા વર્ષે દિવાળી પ્રસંગે લૉન્ચ કરવામાં આવી હતી. બંને બાર એક જ ડિઝાઇનર, એમ્મા નોબલ દ્વારા જટિલ રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે, અને ભગવાન ગણેશને તેમના પગ પર લાડુની ટ્રે સાથે તેમના ઉત્કૃષ્ટ પોઝમાં દર્શાવવામાં આવ્યા છે.

રોયલ મિન્ટે જણાવ્યું હતું કે, “ગણેશ જી હિન્દુ ધર્મના સૌથી જાણીતા દેવતાઓમાંના એક છે. ભાગ્ય, નવી શરૂઆત અને શાણપણના દેવ તરીકે, ગણેશ જી ઘણીવાર મંદિરો અને પવિત્ર ઇમારતોના પ્રવેશદ્વાર પર જોવા મળે છે, જેઓ સંરક્ષક તરીકે કામ કરે છે. આ વર્ષે, પ્રથમ વખત, શિવ અને પાર્વતીના પુત્ર ગણેશ જી રોયલ મિન્ટના 20 ગ્રામ સોનાના મિન્ટેડ બુલિયન બાર પર દેખાશે.”

લક્ષ્મી જી અને ગણેશ જીની બુલીયન બાર દિવાળી સહિત સમગ્ર વર્ષ દરમિયાન ઉત્તમ ભેટ છે. આ બાર ‘ઓમ’ના પ્રતીક સાથે ખાસ ડિઝાઈન કરેલ મહેંદી-પેટર્નવાળી સ્લીવમાં પેક કરીને આપવામાં આવશે. લક્ષ્મી જીના બારની જેમ, ગણેશ બુલિયન બાર પણ કાર્ડિફ, વેલ્સના શ્રી સ્વામિનારાયણ મંદિરના નિલેશ કાબરિયાના સહયોગથી ડિઝાઇન કરવામાં આવી છે. નિલેશ કાબરિયાએ જણાવ્યું હતું કે, “રોયલ મિન્ટ જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને તેમની પ્રોડક્ટ રેન્જમાં હિંદુ સંસ્કૃતિની ઉજવણી કરવા માટે આટલી વિચારણા કરવી અને સક્રિય અભિગમ અપનાવવો તે જોવું અદ્ભુત છે.”