યુકે સરકારના ડિજિટલ વિભાગે જણાવ્યું છે કે, નવું ડિજિટલ માર્કેટ્સ યુનિટ હવે સોશિયલ મીડિયા કંપનીઓ અને ટેકનોલોજીની કંપનીઓ ઉપર ખાસ નજર રાખશે અને ગુપ્તતા અને તંદુરસ્ત સ્પર્ધાના નવા નિયમોનો અમલ કરીને ગ્રાહકો માટે વધુ સારું વાતાવરણ ઊભું કરશે. જો કંપનીઓ નવા નિયમોનું પાલન નહીં કરે તો મોટો દંડ ફટકારવાની સત્તા પણ આ યુનિટને આપવામાં આવી છે.
સરકારના નવા કાયદા પ્રમાણે માહિતીનો કેટલો અને ક્યો હિસ્સો કંપનીઓ સાથે શેર કરવો તેની સત્તા ગ્રાહકો પાસે રહેશે. કોઈપણ ટેકનોલોજી કંપની તે માટે ગ્રાહકને ફરજ પાડી શકશે નહીં. માહિતીની ગુપ્તતા ઉપરાંત સ્પર્ધાના નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે. તંદુરસ્ત સ્પર્ધા જળવાઈ રહે તે માટે આ નવા નિયમોમાં ખાસ જોગવાઈ થઈ છે. ઓનલાઈન જાહેરાતમાં આ કંપનીઓની મોનોપોલી સર્જાઈ ગઈ છે. તેને દૂર કરીને તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ બને તેવા પ્રયાસો હાથ ધરાશે.
સરકારે એક નિવેદનમાં કહ્યું હતું કે, ગ્રાહકને સર્ચ એન્જિનમાં પસંદ કરવાનો વિકલ્પ મળશે. મોટી કંપનીઓ છેડછાડ કરશે તો મોટો દંડ કરાશે. નાની કંપનીઓને પણ સમાન તક મળશે. વેબટ્રાફિક અને વેબરેવેન્યૂમાં મોનોપોલી સર્જી રહેલી ગૂગલ-ફેસબુક જેવી કંપનીઓ જો નવા નિયમોનું પાલન નહીં કરે તો આ નવા યુનિટને દંડ કરવાની સત્તા પણ આપવામાં આવી છે.
સરકારે આ નવા બનેલા યુનિટને ઓનલાઈન પ્લેટફોર્મ અને સમાચાર એજન્સીઓ વચ્ચે થતાં વિવાદો ઉકેલવાની પણ સત્તા આપી છે. નવા નિયમોથી સોશિયલ મીડિયા કંપનીઓ પર સરકારનું નિયંત્રણ વધશે.