રશિયાએ યુક્રેન ઉપર 24 ફેબ્રુઆરી હુમલો કરીને યુદ્ધની શરૂઆત કરી હતી. આ યુદ્ધના કારણે અનેક વૈશ્વિક પડકારો ઊભા થયા છે, ભારત પણ તેમાંથી બાકાત નથી. રશિયા અને યુક્રેન વિશ્વ માટે જરૂરી કેટલીક મહત્વની કાચામાલની ચીજોના ઉત્પાદક છે. માત્ર ભારત જ નહીં પણ વિશ્વની બજારમાં આ કાચા માલનો પૂરવઠો ઘટી ગયો છે અને ભાવ વધી રહ્યા છે. ઓક્ટોબર મહિનાથી ફુગાવાનો સામનો કરી રહેલા વિશ્વ માટે વધારે મોટો પડકાર ઊભો કર્યો છે. મોંઘવારી અને વૈશ્વિક બજારમાં કાચામાલની અછતથી ભારત પણ તેની આકરી કિંમત ચૂકવી રહ્યું છે. ભારત અને રશિયા મિત્ર છે. ભારતને યુક્રેન સાથે પણ સારા સંબંધો છે. રાજદ્વારી રીતે ભારત અત્યારે યુદ્ધ બંધ થાય એટલું જ ઈચ્છે છે પણ યુરોપ અને અમેરિકાની જેમ રશિયા ઉપર પ્રતિબંધ લાદવા કે નિયંત્રણ મુકવા તૈયાર નથી. બીજી તરફ ભારત રશિયા પાસેથી સસ્તું ક્રુડ ઓઈલ ખરીદવા ઉત્સુક છે. આ યુદ્ધને પગલે મોંઘવારી વધી છે, દેશના શેરબજારમાં નકારાત્મક અસર ઊભી થઇ છે, ડોલર સામે રૂપિયો ઐતિહાસિક રીતે નબળો પડ્યો છે અને ઊંચા વ્યાજના દર અર્થતંત્રને નુકસાન પહોંચાડશે તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે.