યુક્રેને રશિયા સાથે ફરી મંત્રણા શરૂ કરવા માટે તૈયારી દર્શાવી છે. રશિયાએ સોમવારે તૂર્કીયેના પાટનગર ઈસ્તંબૂલ ખાતે આ ચર્ચા અંગે પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ યુક્રેન તરફથી જવાબ નહીં મળતા અનિશ્ચિતતા સર્જાઈ હતી. યુક્રેને આ મંત્રણામાં ભાગ લેવા માટે શરતી ત્પરતા દર્શાવતી વખતે રશિયા તરફથી મેમોરેન્ડમ રજૂ થાય તેવી માગણી કરી છે. પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીના ટોચના સલાહકારોએ જણાવ્યું હતું કે, બંને પક્ષના પ્રતિનિધિમંડળ મંત્રણા શરૂ કરે તે પહેલાં રશિયાએ મેમોરેન્ડમ આપવું પડશે.

ઝેલેન્સ્કીના સલાહકાર એન્ડ્રી યેરમેકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આગામી બેઠકમાં ભાગ લેવા યુક્રેન તૈયાર છે, પરંતુ તેમાં સર્જનાત્મક મંત્રણા થવી જોઈએ. અન્ય શબ્દોમાં કહીએ તો રશિયાએ ડ્રાફ્ટ આપવો પડશે. ચર્ચનો મુસદ્દો મોકલવા અને તૈયાર કરવા માટે ચાર દિવસનો સમય પર્યાપ્ત છે. ઉલ્લેખનીય છે કે, યુદ્ધને લંબાવવા માટે રશિયા તરફથી ષડયંત્ર રચાતા હોવાના આરોપ યુક્રેન તથા સાથી યુરોપિયન દેશોએ ઘણી વાર લગાવ્યા છે. મંત્રણાની આડમાં યુક્રેનનો વિસ્તાર પચાવી પાડવાનો કારસો રશિયાએ ઘડ્યો હોવાના આક્ષેપ પણ તેઓ કરે છે. અમેરિકા તથા યુક્રેનના સાથી દેશોએ રશિયા પર બિનશરતી શસ્ત્ર વિરામ માટે દબાણ કર્યું છે, જ્યારે રશિયાની ઈચ્છા શરતી શસ્ત્ર વિરામની છે. રશિયા અને યુક્રેન બંને નરમ પડવાના મૂડમાં નથી ત્યારે યુક્રેનના ડીપ્લોમેટ એન્ડ્રી સિબિહાએ જણાવ્યું હતું કે, આગામી તબક્કાની વાટાઘાટો પૂર્વે રશિયા તરફથી પ્રસ્તાવો અંગે સ્પષ્ટતા થાય તેની રાહ જોવાઈ રહી છે.

LEAVE A REPLY