વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)ની 10મી એડિશન શરૂ થાય તે પહેલાં જ ટાટા ગ્રૂપે નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) નજીક એક નવી લક્ઝરી હોટેલ શરૂ કરવા માટે સોમવારે કરાર કર્યા હતા. ટાટા ગ્રૂપ અને ગુજરાત સરકાર વચ્ચે આ માટે MoU સાઈન કરવામાં આવ્યા હતા. સોમવારે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારે ઉદ્યોગો સાથે 16 કરાર કર્યા હતા, જેમાં આ કરાર પણ સામેલ છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS) રાજીવ કુમાર ગુપ્તાએ ટાટા જૂથ સાથે કરાર કર્યા હતા ટાટા જૂથના નવા પ્લાન વિશે ગુપ્તાએ જણાવ્યું કે, “ટાટા જૂથ ગુજરાતમાં પહેલેથી કામગીરી ધરાવે છે. હવે તેણે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 300 બેડની લક્ઝરી હોટેલ સ્થાપવા માટે રૂ.150 કરોડના રોકાણ અંગે કરાર કર્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ઘણી પ્રીમિયમ બ્રાન્ડની હોટેલ્સ પહેલેથી સક્રિય છે. હવે ટાટા જૂથના પ્રવેશથી પર્યટનને ઉત્તેજન મળશે.”ટાટા જૂથે SOU ખાતે એક સ્પેશિયલ તાલીમ કેન્દ્રની સ્થાપના કરવાનું વચન આપ્યું છે જ્યાં સ્થાનિક આદિવાસી યુવાનોને તાલીમ આપવામાં આવશે.