ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે. દેશના આ સૌથી મોટા રાજ્યમાં 37 વર્ષમાં પ્રથમ વખત એવું બન્યું છે કે સત્તાધારી સરકાર સંપૂર્ણ બહુમતી સાથે ફરી સત્તા પર આવી હોય.
રાજ્યમાં 2017માં પણ પ્રચંડ બહુમતી સાથે યોગી આદિત્યનાથના વડપણ હેઠળ ભાજપની સરકાર બની હતી. 2022માં ભાજપ પૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બની રહી છે. અગાઉ આવું વર્ષ 1980, 1985માં થયું હતું જ્યારે પૂર્ણ બહુમતી સાથે સરકારનું પુનરાવર્તન થયું હતું. ત્યારે કોંગ્રેસ 1980માં 309 સીટો સાથે, 1985માં 269 સીટો સાથે સરકારમાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, યુપી વિધાનસભામાં કુલ 403 બેઠકો છે. સંપૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને ઓછામાં ઓછી 202 બેઠકો જીતવી જરૂરી છે. અગાઉ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે એકલા હાથે 312 બેઠકો જીતી હતી.












