પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડેને ગુરુવારે પૂર્વ સિરિયામાં ઇરાન સમર્થિત બળવાખોરો પર હવાઇ હુમલા કરવાનો આદેશ આપ્યો હતો. ઇરાકમાં અમેરિકાના મથકો પર રોકેટ હુમલાના જવાબમાં આ હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા. આ હવાઇ હુમલા ઇરાક-સિરિયા સરહદ નજીક કરવામાં આવ્યા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું હતુ અને બીજા કેટલાંક લોકો ઘાયલ થયા હતા.

હાલમાં ઇરાન નહીં, પરંતુ માત્ર સિરિયામાં હુમલો કરવાના બાઇડનના નિર્ણયથી ઇરાનની સરકારની થોડી રાહત થઈ હતી. ઇરાન હાલમાં અમેરિકાના સૈનિકો પરના 15 ફેબ્રુઆરીના હુમલાની તેની રીતે તપાસ કરી રહ્યું છે.

પેન્ટાગોનના પ્રવક્તા જોહન કિર્બીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ બાઇડનના આદેશને પગલે અમેરિકાના લશ્કરી દળોએ ગુરુવારની સાંજે પૂર્વ સિરિયામાં ઇરાન સમર્થિત બળવાખોરો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા અડ્ડા પર હવાઇ હુમલા કર્યા હતા. પ્રેસિડન્ટ બાઇડેન અમેરિકન અને સાથી દેશોના સૈનિકોના રક્ષણ માટે પગલાં લેશે. અમે એવા કુનેહથી કાર્ય કરીશું કે પૂર્વ સિરિયા અને ઇરાક બંનેમાં એકંદર સ્થિતિમાં સુધારો થઈ શકે છે.

તેમણે જણાવ્યું હતું કે આ હવાઇ હુમલામાં ઇરાન સમર્થિત બળવાખોર જૂથો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા બોર્ડર કંટ્રોલ પોઇન્ટ પરના સંખ્યાબંધ અડ્ડાનો નાશ કરવામાં આવ્યો હતો. આ હવાઇ હુમલા અંગે સિરિયાએ હજુ કોઇ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. સરકારી ટીવી એખબેરિયાએ જણાવ્યું હતું કે સિરિયા-ઇરાક સરહદ નજીક કેટલાંક લક્ષ્યાંકો પર સવારે હુમલા થયા હતા.

અમેરિકાના અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે હવાઇ હુમલા મારફત એવો સંદેશ આપવામાં આવ્યો છે કે અમેરિકા બળવાખોરોને સજા કરવા માગે છે, પરંતુ સ્થિતિ વણસે તેવું ઇચ્છતું નથી. બાઇડન સામે વિવિધ વિકલ્પો રજૂ કરવામાં આવ્યા હતા અને એક સૌથી મર્યાદિત વિકલ્પ પસંદ કરવામાં આવ્યો હતો.