અમેરિકામાં કેપિટોલ પર 6 જાન્યુઆરીના હુમલા સંબંધિત ડોક્યુમેન્ટ્સ કોંગ્રેસનલ કમિટીને આપતા અટકાવવા માટેની ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની માગણીને સુપ્રીમ કોર્ટ ફગાવી હતી. ખાસ વિશેષાધિકારને ટાંકીને, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ટ્રમ્પે નેશનલ આર્કાઇવ્ઝ દ્વારા સાચવવામાં આવેલા આ રેકોર્ડને કેપિટોલ પર હુમલાની તપાસ કરી રહેલી કમિટીને આપતા અટકાવવાની માગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પના સમર્થકો દ્વારા ગત વર્ષની શરૂઆતમાં કોંગ્રેસ પર હુમલો કરવામાં આવ્યો હતો.
ટ્રમ્પ પર કેપિટોલ પર હુમલા કરવા માટે સમર્થકોને ઉશ્કેરવાનો આક્ષેપ છે, તેમણે દેશની સુપ્રીમ કોર્ટને ફેડરલ અપીલ્સ કોર્ટના ચૂકાદા પર સ્ટે મૂકવા જણાવ્યું હતું, આ કોર્ટે ડોક્યુમેન્ટ્સને ગુપ્ત રાખવાના તેમના પ્રયાસોને ફગાવ્યા હતા.
પરંતુ આ બાબતે સુપ્રીમ કોર્ટે, 8-1 મતથી મનાઇ હુકમ આપવાનો ઇન્કાર કર્યો અને નીચલી કોર્ટના ચૂકાદાને યથાવત રાખ્યો હતો, જે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ માટે નોંધપાત્ર પીછેહઠ હતી.
માત્ર કન્ઝર્વેટિવ જસ્ટિસ ક્લેરેન્સ થોમસ મનાઇ હુકમ આપવાની તરફેણમાં હતા. કોર્ટના અન્ય પાંચ કન્ઝર્વેટિવ ન્યાયમૂર્તિઓમાંથી ત્રણની નિમણૂક ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે તેની વિનંતીને ફગાવવામાં ત્રણ લિબરલ ન્યાયમૂર્તિઓ જોડાયા હતા.
ટ્રમ્પે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ તરીકેના પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરવા માટે હુમલા સાથે સંબંધિત હોય તેવા વ્હાઇટ હાઉસના સંભવિત રેકોર્ડ્સ અને કમ્યુનિકેશન્સને ગુપ્ત રાખવા માટે માગણી કરી હતી.
ટ્રમ્પના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે, ‘ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ તેમના કાર્યકાળ પછી પણ ખાસ વિશેષાધિકારનો દાવો કરવાનો હક છે.’
તેમણે કોંગ્રેસનલ રેકોર્ડની વિનંતીને ‘આઘાતજનક રીતે વ્યાપક’ તરીકે વખોડ્યો હતો અને ડેમોક્રેટિક-નિયંત્રિત હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝમાં કમિટી પર ‘રાજકીય દુશ્મનાવટ’ રાખીને તપાસ કરવાનો આરોપ મૂક્યો હતો.
પ્રેસિડેન્ટ જો બિડેને ટ્રમ્પના રેકોર્ડ્સ પરના ખાસ વિશેષાધિકારને રદ્ કર્યો હતો, જેથી તેઓ કમિટીને તે સોંપી શકે અને અપીલ કોર્ટે નિર્ણય કર્યો કે ‘ભૂતપૂર્વ પ્રેસિડેન્ટનો અધિકાર ચોક્કસપણે તેમના અનુગામી કરતા વધારે મહત્ત્વ ધરાવતો નથી.’
અપીલ કોર્ટે જણાવ્યું હતું કે, રેકોર્ડની બાબતમાં ટ્રમ્પ કરતા જાહેર હિત વધારે મહત્ત્વનું હતું.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ કેસમાં, એક્ઝિક્યુટિવ બ્રાન્ચના વડા તરીકે પ્રેસિડેન્ટ બિડેનને ખાસ જાણવા મળ્યું છે કે, કોંગ્રેસે અનિવાર્યપણે આ ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત દર્શાવી છે અને તે રાષ્ટ્રના શ્રેષ્ઠ હિતમાં છે.’