Getty Images)

અમેરિકામાં પ્રેસિડેન્ટપદની અત્યાર સુધી યોજાયેલી ચૂંટણીઓમાં ઇન્ડિયન અમેરિકન મતદારોએ મોટાભાગે ડેમોક્રેટ્સને મત આપ્યા છે. હવે આ વર્ષે આવનારી ચૂંટણીમાં તેઓ ડેમોક્રેટ્સને પસંદ કરે તેવી સંભાવના છે તેવું ડેમોક્રેટ્સ માને છે. તેથી બિડનેની વ્હાઇટ હાઉસમાં જવાની સંભાવનાઓ ઘણી વધી જાય છે.

અમેરિકામાં 3 નવેમ્બરે યોજાનારી પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન્સ મોટી ભૂમિકા ભજવશે. ડેમોક્રેટ્સ અને રીપબ્લિકન માટે ભારતીયોને આકર્ષવાનું જરૂરી થઇ ગયું છે. અમેરિકામાં ચૂંટણી આડે માત્ર 100 દિવસ બાકી છે અને આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પની સ્પર્ધા ડેમોક્રેટ જો બિડેન સાથે છે.

ડેમોક્રેટિક નેશનલ કમિટીના ચેરમેન ટોમ પેરેઝે એક ઓનલાઇન સભામાં જણાવ્યું હતું કે, 2016ની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન્સ ડેમોક્રેટિક પાર્ટીની સાથે હતા. આ વખતે ભારતીય સમુદાયમાં ડેમોક્રેટિક પાર્ટીનો પ્રભાવ ઓછો થયો છે. તાજેતરમાં થયેલા એક સર્વેમાં જોવા મળ્યું છે કે, હિલેરી ક્લિન્ટનનો પ્રભાવ જેટલો ભારતીયોમાં હતો તેટલું આકર્ષણ બિડેનનું નથી. જોકે, ડેમોક્રેટિક પાર્ટી ભારતીયો પર અસર ઊભી કરવામાં ભરપૂર પ્રયાસ કરે છે.

પેરેઝે જણાવ્યું હતું કે, ઘણા રાજ્યોમાં ભારતીય સમુદાયનો મત બાજી પલટી શકે છે. તેમણે 2016ની ચૂંટણીમાં મિશિગન, પેન્સિલવેનિયા અને વિસ્કોન્સિનમાં ડેમોક્રેટ્સની હારનો ઉલ્લેખ કર્યો હતો. તેમનું કહેવું છે કે, જો આ રાજ્યોમાં ભારતીય મતદારોને સંપૂર્ણપણે પોતાના તરફ આકર્ષવામાં આવે તો તેમને લાભ થઇ શકે છે. ગત ચૂંટણીમાં ટ્રમ્પને મિશિગન, વિસ્કોન્સિન અને પેન્સિલવેનિયામાંથી પાતળી સરસાઇ મળતા તેઓ વ્હાઇટ હાઉસ સુધી પહોંચવામાં સફળ થયા હતા.

અમેરિકામાં એશિયન અમેરિકન એન્ડ પેસિફિક આઇલેન્ડર (AAPI)ના ચેરમેન શેખર નરસિંહાએ જણાવ્યું હતું કે, અમેરિકાના આઠ રાજ્યોમાં 13 લાખ ઇન્ડિયન અમેરિકન મતદારો છે. તેમાં એરિઝોના (66000), ફ્લોરિડા (193000), જ્યોર્જિયા (150,000), મિશિગન (125,000), નોર્થ કેરોલાઈના (111,000), પેન્સિલવેનિયા (156,000), ટેક્સાસ (475,000) અને વિસ્કોન્સિન (37,000)નો સમાવેશ થાય છે.