વ્યાજદરમાં મોટો ઘટાડો કરવાની અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની માગણી વચ્ચે ફેડરલ રિઝર્વે 17 સપ્ટેમ્બરે બેન્ચમાર્ક વ્યાજદરમાં ડિસેમ્બર પછી પ્રથમ વખત 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો અને આગામી સમયગાળામાં વ્યાજદરમાં વધુ ઘટાડો કરવાનો સંકેત આપ્યો હતો. ફેડના નિર્ણય પછી બેન્ચમાર્ક રેટ હવે 4થી 4.25 ટકાની રેન્જમાં આવ્યાં છે.
ફેડના અધ્યક્ષ જેરોમ પોવેલે એક પ્રેસ કોન્ફરન્સમાં બોલતા, ઓક્ટોબર અને ડિસેમ્બરની બેઠકોમાં વ્યાજદરમાં વધુ કાપ મૂકવાનો પણ સંકેત આપતા જણાવ્યું હતું કે નરમ પડતું રોજગાર બજાર હવે તેમના અને તેમના સાથી નીતિ નિર્માતાઓ માટે ટોચની પ્રાથમિકતા છે. કોઇપણ માર્ગ જોખમમુક્ત હોતો નથી. શું કરવું તે ખૂબ જ સ્પષ્ટ નથી. આપણે ફુગાવા પર પણ નજર રાખવી પડશે, આપણે … મહત્તમ રોજગારને અવગણી શકીએ નહીં.
પોવેલે જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે રોજગાર સર્જનની તાજેતરની ગતિ બેરોજગારી દરને સ્થિર રાખવા માટે જરૂરી બ્રેક-ઇવન દરથી નીચે ચાલી રહી છે, અને વ્યવસાયો એકંદરે ખૂબ ઓછી ભરતી કરી રહ્યા હોવાથી, છટણીમાં કોઈપણ વધારો ઝડપથી બેરોજગારીમાં વધારો કરી શકે છે. ફેડના અધિકારીઓ અગાઉ માનતા હતાં કે આયાત પર ઊંચી ટેરિફથી ફુગાવામાં વધારો થશે નહીં. જોકે હવે વર્ષના અંત સુધીમાં ફુગાવામાં ઝડપથી વધારો થશે તેવું માની રહ્યાં છે. ફુગાવો વર્ષના અંતે 3 ટકા થવાની ધારણા છે, જે સેન્ટ્રલ બેન્કના 2 ટકાના ટાર્ગેટ કરતાં ઊંચો છે.
