પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાએ તેના નાગરિકોને ભારતનો પ્રવાસ ટાળવાની સલાહ આપી છે. ભારતમાં કોવિડ-19ના ખૂબ ઊંચા પ્રમાણને કારણે સંપૂર્ણ વેક્સીન લીધી હોય તેવા નાગરિકોને પણ ભારત ન જવાની અમેરિકાએ સલાહ આપી છે.

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ સોમવારે આ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી હતી. તે વિજ્ઞાન આધારિત ટ્રાવેલ હેલ્થ નોટિસ જારી કરે છે અને વિશ્વભરમાં આરોગ્યના જોખમ અંગે મુસાફરોને એલર્ટ કરે છે. સીડીસી કોવિડ-19 માટે 4-લેવલ સિસ્ટમ ધરાવે છે અને ભારતને લેવલ-ફોરમાં મુકવામાં આવ્યું છે. લેવલ-ફોર એટલે કોવિડ-19નું ખૂબ ઊંચું પ્રમાણ.

સોમવારે જારી કરેલા એલર્ટમાં જણાવાયું હતું કે કોવિડ-19 મહામારી મુસાફરો માટે અસાધારણ જોખમો ઊભા કરે છે. CDCએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે મુસાફરોએ ભારતમાં તમામ પ્રવાસ ટાળવા જોઇએ. ભારતની હાલની સ્થિતિને કારણે સંપૂર્ણ વેક્સીનેટેડ મુસાફરોને પણ કોવિડ-19 વેરિયન્ટનો ચેપ લાગવાનું અને તેનો ફેલાવો કરવાનું જોખમ છે. જો તમારે ફરજિયાત ભારત જવું પડે તેવું હોય તો ટ્રાવેલ પહેલા સંપૂર્ણ વેક્સીન લો.

ભારતમાં છેલ્લાં એક સપ્તાહથી દૈનિક ધોરણે કોરોના બે લાખથી વધુ કેસને પગલે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 20 લાખને પાર કરી ગયો છે.

વિદેશ વિભાગે સોમવારે જાહેરાત કરી હતી કે તે તેની ટ્રાવેલ એડવાઇઝરીને CDCની ભલામણો મુજબ અપડેટ કરશે. સોમવારે બ્રિટનને પણ ભારતને ટ્રાવેલ રેડ લિસ્ટમાં મૂક્યું હતું. તેનાથી ભારતમાંથી બ્રિટનમાં પ્રવાસ લગભગ બંધ થયો છે. આ મહિનાના શરૂઆતમાં ન્યૂઝિલેન્ડે પણ ભારતના પ્રવાસીઓ પર નિયંત્રણો મૂક્યા હતા.