ભારતીય મિલિટરીની ત્રણેય પાંખોમાં કુલ 1,35,784 જગ્યાઓ ખાલી છે. જે પૈકી સૌથી વધુ આર્મીમાં 1,16,464 જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓમાં અધિકારીઓ અને જવાનોનો સમાવેશ થાય છે.
સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટના જણાવ્યા પ્રમાણે દર વર્ષે સરેરાશ આર્મીમાં 60 હજાર, એરફોર્સમાં 5723 અને નેવીમાં 5332 જગ્યાઓ ભરવામાં આવે છે.
ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે આર્મી દ્વારા છેલ્લા બે વર્ષમાં કોઇ પણ વ્યકિતની નિમણૂક થઇ નથી. 1 જાન્યુઆરી, 2020ના રોજ આર્મીમાં 64,482 જગ્યાઓ ખાલી હતી. ઉલ્લેખનીય છે કે સેનાની ત્રણેય પાંખો દ્વારા તાજેતરમાં જ અગ્નિપથ હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરી છે.
૧૪ જૂને આ સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ 17.5થી 21 વર્ષના યુવાનોની ભરતી કરાશે. જોકે, 2022માં 23 વર્ષ સુધીની ઉંમરવાળા યુવાનોને પણ તક આપવામાં આવશે. આ સ્કીમ હેઠળ આ વર્ષે ત્રણેય પાંખોમાં કુલ 46,000 જવાનોની ભરતી કરાશે. ભરતી થનારા આ જવાનો અગ્નિવીર તરીકે ઓળખાશે. આ સ્કીમનો ઉદ્દેશ સેનાના જવાનોની સરેરાશ ઉંમર ઘટાડવાનો છે.