પ્રતિક તસવીર : કમળાબેન પટેલ

સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસના કારણે લાખ્ખો લોકોના જીવ ગયા બાદ ફાઇઝર અને બાયોએનટેક દ્વારા શોધવામાં આવેલી અને યુકે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલી કોરોનાવાયરસ વેક્સીનના ડોઝીસ આખા વિશ્વમાં સૌપ્રથમ યુકેમાં આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં સંખ્યાબંધ લોકોને આ રસી આપવામાં આવી છે અને જેમને એલર્જીક રિએક્શનની તકલીફ છે તેવા ગણ્યાગાંઠ્યા લોકો સિવાય વેક્સીનની કોઇ જ ગંભીર કહી શકાય તેવી આડઅસર કે રિએક્શન રસી લેનારા લોકોમાં જોવા મળ્યાં નથી. આમ છતાં પણ કેટલાક લોકો દ્વારા આ રસી અંગે સદંતર ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.

‘ગરવી ગુજરાત’ના વાચક મિત્રો અને તેમના પરિવારજનો આ રસી અંગે વિશેષ જાણકારી મેળવે અને કોઇપણ ભય કે શંકાકુશંકા વગર તેઓ રસી લઇ શકે તે માટે અમે ગત સપ્તાહે યુકે સરકારના સહયોગથી રસીની ઉપયોગીતા અંગે વિસ્તૃત માહિતી આપતો વિશેષ ઇન્ટર્વ્યુ ‘ગરવી ગુજરાત’માં ગુજરાતી ભાષામાં પાન નંબર 10-11 ઉપર રજૂ કર્યો હતો. આ સપ્તાહે અમે આપણા જ સમુદાયના કેટલાક વડિલો, અગ્રણીઓ ને જીપીની મુલાકાત લઇ રસી લેવા અંગેનો તેમનો અનુભવો રજૂ કરી રહ્યા છીએ. આશા છે કે રસીની ઉપયોગીતા અને તેની આડઅસર અંગેના ભય બાબતે પ્રવર્તી રહેલી તમામ ગેરમાન્યતા દૂર થશે અને આપ સૌને વધુ માહિતી મળશે.

બ્રિટીશ મેડિકલ એસોસિએશનના માનદ વાઇસ પ્રેસિડેન્ટ અને  BAME સમુદાયના લોકો પર કોવિડ-19ના વ્યાપક સર અંગે સરકાર પર વ્યાપક દબાણ ઉભુ કરનાર ડૉ. કૈલાસ ચાંદે પોતે આ શનિવારે કોવિડ-19 સામે પ્રતિકાર પતી રસી મેળવી હતી. ડો. કૈલાસ ચાંદે જણાવ્યું હતું કે ‘’તમારી જાતને કોવિડ-19ના વાયરસ સામે ખુલ્લી મૂકવા કરતાં કોરોનાવાયરસ રસી મેળવવી સલામત છે! આજે મેં પણ મારી રસી મેળવી હતી. મહેરબાની કરીને તમને જ્યારે પણ રસીની ઓફર કરવામાં આવે ત્યારે તમારી રસી મેળવજો… તે સલામત અને અસરકારક છે!’’

મૂળ ગુજરાતના બોચાસણના વતની અને હાલમાં રીજવે, નોર્થ હેરો ખાતે રહેતા 84 વર્ષના કમળાબેન મ. પટેલે ગત તા. 17-12-2020ના રોજ એજવેરના હાઇવ ખાતે કોરોનાવાયરસ સામેની પ્રતિકારક રસી લીધી હતી. કોરોનાવાયરસની રસી, એનએચએસ અને વડાપ્રધાન બોરીસ જ્હોન્સન પર શ્રધ્ધા ધરાવતા કમળાબાએ જોરદાર હોંકારા સાથે જણવ્યું કે ‘’ના… મને રસી લેતા જરા પણ બીક ન લાગી. મને રસી લેવાનો પત્ર મળ્યો કે તુરંત જ અમે એપોઇન્ટમેન્ટ મેળવી લીધી હતી. અમે રસી લેવા ગયા ત્યારે કાર પાર્કથી રસી માટેનું સેન્ટર થોડું દૂર હતું પરંતુ વેક્સીનેશન સેન્ટરના માર્શલ્સ વ્હિલ ચેર સાથે તૈયાર ઉભા જ હતા.’’

હેરોના કાઉન્સિલર અંજનાબેન પટેલના માતા કમળાબેને જણાવ્યું હતું કે ‘’મારો નંબર આવતાં રસી આપનાર ભાઇએ મને કોઇ એલર્જી છે નહિં, હું કોઇ દવા લઉં છું કે નહિ જેનાથી એલર્જી થાય છે વગેરે પ્રશ્નો પૂછ્યા હતા. તેમને બધી રીતે ખાતરી થયા બાદ તેમણે મને હાથ પર કોરોનાવાયરસની વેક્સીન આપી હતી. મને રસીની કોઇ આડઅસર કે રિએક્શન થતું નથી તે ચેક કરવા માટે તેમણે મને 15 મિનીટ સુધી નજીકમાં બેસવા જણાવ્યું હતું. પરંતુ સાચુ કહું, મને એક સામાન્ય ઇન્જેક્શન લેતી વખતે જે પીડા થાય તેનાથી વિશેષ કોઇ જ પીડા કે તકલીફ થઇ ન હતી. આજે 24 કલાક કરતાં વધુ સમય થયો પરંતુ મને વેક્સીનની કોઇ આડઅસર, રિએક્શન દુખાવો કે તાવ કશું જ આવ્યું નથી. મને મારી કેટલીક બેનપણીઓએ વેક્સીન ન લેવા ડરાવી હતી. પરંતુ મને થયેલો અનુભવ જોતાં વેક્સીન લેતી વખતે ડરવાની કે ખોટો ભ્રમ કે ચિંતા કરવાની જરા પણ જરૂર નથી.’’

કમળાબેને જણાવ્યું હતું કે ‘’મને વેક્સીન આપતાં પહેલા બધી સમજ આપવામાં આવી હતી. મારી દિકરી અંજના સાથે હતી એટલે તેણે મને ગુજરાતીમાં સમજાવ્યું હતું. તેમણે  વેક્સીન લીધા પછી એક કાર્ડ તેમ્જ પેમ્પલેટ પણ આપ્યું હતું, જેમાં મને કઇ વેક્સીન આપવામાં આવી છે તેની તથા વેક્સીન અંગેની માહિતી હતી. મને તે જ સ્થળે તા. 7 જાન્યુઆરીના રોજ વેક્સીનનો બીજો ડોઝ લેવા આવવાની એપોઇન્ટમેન્ટ આપી દેવામાં આવી છે.‘’

કમળાબેને સંદેશો આપતાં જણાવ્યું હતું કે ‘’આપણી સરકાર અને વડાપ્રધાન જ્હોન્સન બહુ સારા છે કે દુનિયાભરમાં સૌ પહેલા આપણને રસી આપે છે. પણે બધાએ રસી લેવી જ જોઇએ. આપણે રસી લઇશું તો આપણને કોરોનાવાયરસ નહિં થાય અને લોકોને પણ ચેપ નહિં લાગે. મારી તો સલાહ છે કે બધાએ રસી લેવી જ જોઇએ.’’

કેન્ટના ડાર્ટફર્ડ ખાતે રહેતા અને લાગલગાટ 32 વર્ષ સુધી કેન્ટમાં જ જીપી તરીકે સેવા આપનાર ડો. ભૂપેન્દ્ર પટેલે તા. 18ના રોજ સ્વાન્સકોમ્બ હેલ્થ સેન્ટર, કેન્ટ ખાતે કોરોનાવાયરસ રસી મેળવી હતી.

મૂળ ગુજરાતના નડિયાદના વતની ડો. પટેલે જણાવ્યું હતું કે ‘’કોરોનાવાયરસની રસી લેવા પાછળનું મારૂ સૌથી પહેલું અને અગત્યનું કારણ મારી જાતને સુરક્ષીત કરવાનું હતું. મને માઇલ્ડ ડાયાબીટીશ છે અને સાથે સાથે હાઇ બીપી પણ છે. આ ઉપરાંત એનએચએસ અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડને કોરોનાવાયરસ રોગાચાળામાં મોતને ભેટેલા કે ગંભીર રીતે અસર પામેલા લોકો અંગે કરેલા અભ્યાસમાં જણાયું હતું કે યુકેમાં રહેતા પોતાના શ્વેત સમકક્ષ લોકોની સરખામણીએ 60 વર્ષ કરતા વધુ વય ધરાવતા શ્યામ, એશિયન, માઇનોરીટી અને અથનિક લોકોને ભારે જોખમ છે. એક ભારતીય અને એશિયન તરીકે આપણા લોકોને અને તેમાં ખાસ કરીને ગંભીર બીમારી ધરાવતા લોકોને કોવિડ-19ની વધારે અસર થવાની શક્યતાઓ રહેલી છે. લોકોની સરખામણીએ આપણા લોકો પર કોરોનાવાયરસની અસર વધારે અગ્રેસીવલી થાય છે. માટે જ આપણે રસી લેવી ખૂબ જ જરૂરી છે.‘’

ડો. પટેલે જણાવ્યું હતું કે ‘’આ રસી હજ્જારો લોકો પર કરાયેલા વેક્સીનની ટ્રાયલ અને ટેસ્ટ પછી, પૂરતા સંશોધન પછી તૈયાર કરવામાં આવેલી દુનિયાની શ્રેષ્ઠ રસી છે. આ  રસીના કારણે કોઇને પણ સાઇડ ઇફેક્ટ થઇ નથી અને જે લોકોને પહેલાથી જ અમુક ખાસ પ્રકારની એલર્જી હતીં તેમને જ થોડી અસર થઇ છે.  રસી આપ્યા પછી મેડિક્સ દ્વારા તમને 15 મિનીટ માટે જે તે સર્જરી કે સેન્ટરમાં જ 15 મિનીટ રોકાવા માટે કહેવામાં આવે છે અને તે સમય દરમિયાન કોઇ તકલીફ ન થાય તો તમને જવા દેવામાં આવે છે.  રસીના કારણે જો તમને કોઇ રિએક્શન કે આડઅસર થવાની શક્યતા હોય તો તે મોટેભાગે 15 મિનીટમાં જ થઇ જાય છે.‘’

ડો. પટેલે જણાવ્યું હતું કે ‘’કોઇ જ પ્રકારની રાહ જોયા વગર તમને રસી મળતી હોય તો આ રસી લઇ લેવી જોઇએ. હાલમાં આ રસીનો ટૂંકો સપ્લાય મળ્યો છે. વળી આખી દુનિયાના લોકોને આ રસીની જરૂર છે. આપણા દેશમાં જેટલા વધુ લોકો રસી લેશે તેટલો રોગચાળાનો દર ઘટશે અને આખા સમાજને ફાયદો થશે. એક ડોક્ટર તરીકે કહું છું કે  રોગચાળો ખરેખર ખૂબ જ જોખમી છે અને તેથી બધાએ રસી લેવી જરૂરી છે.‘’

કેન્ટનાં ગ્રીનહાઇટ ખાતે રહેતા અને 6 વર્ષ પહેલા જ જીપી તરીકે નિવૃત્ત થયેલા ડો. યોગેશ દેસાઇએ જણાવ્યું હતું કે ‘’મેં કોવિડ-19ની વેક્સીનેશન મને ઓફર થવાની સાથે જ લઇ લીધી છે. મને હાર્ટનું ઓપોરેશન કરાવ્યું છે તેથી મારે માટે વેક્સીન લેવી ખૂબ જ જરૂરી હતી. બહુ જ સાચા શબ્દોમાં કહું તો વેક્સીન એ આજના યુગની જરૂરિયાત છે. લોકોને વેક્સીન આપવામાં આવશે તો તેમને અને તેમને કારણે બીજાને લાગતો ચેપ અટકાવી શકાશે. સૌથી સારી બાબત એ છે કે આ વેક્સીનને કારણે કોઇ ખાસ કે નોંધપાત્ર રિએક્શન થવાનો ચાન્સ જ નથી. વળી આ વેક્સીન બહુ જ લાંબા સમય માટે રસી લેનાર વ્યકિતિને પ્રોટેક્ટ કરશે. માટે આ રસી જેમને પણ ઓફર થાય તે તમામ લોકોએ લેવી જ જોઇએ.‘’

72 વર્ષની વય ધરાવતા ડો. દેસાઇએ જણાવ્યું હતું કે ‘’આ રસીને હજ્જારો લોકો પર વિવિધ દેશોમાં ટેસ્ટ કરવામાં આવી છે. વિશાળ ટ્રાયલ લીધા બાદ તૈયાર થયેલી  રસીના કારણે આપણા એશિયન લોકોને ખૂબ જ ફાયદો થશે અને અશિયન્સ અને ખાસ કરને નાદુરસ્ત તબિયત અને બીમારી ધરાવતા લોકોને ખૂબ જ ફાયદો થશે. હું એક ભારતીય અને ગુજરાતી જીપી તરીકે આપણા સમાજના સૌ કોઇને આ રસી લેવા અપીલ કરૂ છું.‘’

BAPS સ્વામિનારાયણ મંદિર, નિસ્ડનના પૂર્વ ટ્રસ્ટી અને અગ્રણી સત્સંગી શ્રી વી. એચ પટેલે જણાવ્યું હતું કે ‘’સરકારે આપણા સૌ કોઇને અને ખાસ કરીને જેમને કોમ્પ્લિકેશન્સ છે તેવા લોકોને ઝડપથી રસી મળી જાય તે માટે ખૂબ જ સરસ વ્યવસ્થા કરી છે. મને મોબાઇલ ફોન પર એક વેબલિંક સાથે ટેક્સ્ટ મેસેજ મળ્યો હતો. જેમાં રસી લેવાના દિવસ અને સમયના ઘણાં બધા ઓપ્શન હતા. મેં પણ કેટલીક અફવાઓ સાંભળી હતી કે રસી લેવાથી આડઅસર થાય છે જે જોખમી બને છે. પણ મેં કોઇ જ જાતની ચિંતા ફીકર કર્યા વગર તા. 17ના રોજ પાર્ક રોયલ હોસ્પિટલમાં મારી રસી બુક કરાવી દીધી હતી.’’

નોર્થ વેમ્બલી ખાતે રહેતા અને અગાઉ હ્રદયનું બાયપાસ અને બે વખત એન્જીઓપ્લાસ્ટી ઓપરેશન કરાવી ચૂકેલા 83 વર્ષના શ્રી વીએચ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર વ્યવસ્થા ખૂબ જ આયોજન સાથે સરસ રીતે કરવામાં આવી છે. વ્હીલચેરથી લઇને માર્શ્લ્સ સુધી તમને સતત પ્રેમ અને કેર આપે છે અને કોઇ જ જાતની ફી વગર વેક્સીન આપવામાં આવે તે માની ન શકાય તેવી વાત છે. મને રસી આપતાં પહેલા નર્સે ખૂબ જ પ્રેમથી મારી મેડિકલ હિસ્ટ્રી પૂછી હતી. મને કોઇ જ જાતની એલર્જી નથી તેની ખાતરી થયા બાદ રસી આપવામાં આવી હતી. જો ઉંમરલાયક દર્દી હોય તો નર્સીસ શર્ટના બટન ખોલવા સુધીની સેવા આપે છે. મને રસી આપ્યા  પછી તો હું સાયામાં શોપીંગ કરવા ગયો હતો અને આજે 24 કલાક જેટલો સમય થયો પણ મને કોઇ તકલીફ થઇ નથી.‘’

વિનોદરાય પટેલે જણાવ્યું હતું કે ‘’NHS ખૂબ જ જોરદાર સેવા આપે છે. જે લોકો રસી અંગે ગભરાટ રાખે છે તેઓ ખોટા છે. આપણા સૌની સેફ્ટી માટે રસી બહુ જ અગત્યની છે. રસી આપતા પહેલા એલર્જી છે કે કેમ તેની ખાતરી કરીને જ રસી આપવામાં આવે છે. કોરોનાવાયરસ રોગચાળામાં મોટી ઉંમરના અને વિવિધ બીમારીઓ ધરાવતા લોકો માટે આ રસી ખૂબ જરૂરી છે તેથી રસી નહિં લેવાની મુર્ખામી કરવી કોઇને પાલવે તેમ નથી.’’

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના નિર્માણ માટે ખૂબ જ સુદર સેવા આપનાર અને માવજીકાકાના નામે જાણીતા માવજીભાઇ પટેલે પોતાની તળપદી કચ્છી છાંટવાળી ગુજરાતીમાં જણાવ્યું હતું કે ‘’રસી લેવામાં  કશું જ બીવા જેવું નથી. સરકારે એટલી સરસ વ્યવસ્થા કરી છે કે હું એક કલાકમાં રસી લઇને બહાર નીકળી ગયો. મને ડાયાબિટીશ છે અને ઉંમર છે એટલે મેં રસી લઇ જ લીધી. મને તો બીક લાગે તેવું કશું જ ન લાગ્યું.  જો હું ફર્સ્ટક્લાસ છું ને! તમારી સાથે વટથી વાત કરૂં છું. તમને સૌને કહું છું કે જો રસી લેવાનું થાય તો લઇ જ લેજો. રસી બહુ જ જરૂરી છે. તેનાથી તમને ચેપ લાગતો અટકશે અને આખી જીંદગી જીવવા મળશે કે નફામાં.‘’