(ANI Photo)

ઓમિક્રોન વેરિયન્ટના ભય વચ્ચે વાઈબ્રન્ટ સમીટ યોજાશે કે નહી તે અંગેની અનિશ્ચિતતતા વચ્ચે હવે એ સ્પષ્ટ બની રહ્યું છે કે આ સમીટ વિધિવત રીતે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૦મી જાન્યુઆરીએ સમિટનું ઉદઘાટન કરશે તેમજ તેઓ ત્રણ દિવસ રોકાશે. ૧૦થી૧૨ જાન્યુઆરી સુધી ચાલનારી આ વખતની સમીટમાં પ્રથમવાર પાંચ દેશોના વડા પણ ઉપસ્થિત રહેશે.

વાઇબ્રન્ટ ગુજરાતની આ વખતની સમીટમાં ૨૬ પાર્ટનર દેશના ડેલિગેટ્સ, ૧૫ દેશોના વિદેશ પ્રધાન અને ચાર દેશોના ગવર્નર હાજરી આપશે. આ ઉપરાંત આ સમીટમાં પહેલીવાર એવું બનશે કે પાંચ દેશોના વડા એક સાથે હાજરી આપશે. સમીટમાં રશિયા, મોરેશિયસ, નેપાળ, સ્લોવેનિયાના વડાપ્રધાન અને મોઝામ્બિકના વડા આવશે. આ ઉપરાંત વિવિધ આંતરરાષ્ટ્રીય કંપનીઓના સીઇઓ. અને મુખ્ય સંચાલકો પણ આ કાર્યક્રમમાં જોડાશે.

રશિયાના વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટિન, મોઝામ્બિકના પ્રેસિડન્ટ ફિલિપ જેકિન્ટો ન્યુસી , મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ, નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા અને સ્લોવેનિયાના વડાપ્રધાન જાનેઝ જાન્સા આગામી સમીટમાં હાજર રહેવાના છે. આ સમિટમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કે એમ બિરલ, સુનિલ ભારતી મિત્તલ , અશોક હિન્દુજા, એન.ચંદ્રશેખરન અને હર્ષ ગોએન્કા સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ ખાસ હાજરી આપશે.