. (Photo by Jack Taylor/Getty Images)

ભારતની સુપ્રીમ કોર્ટે સોમવારે ભાગેડૂ બિઝનેસમેન વિજય માલ્યાને કોર્ટના તિરસ્કારના કેસમાં 4 મહિનાની જેલની સજા ફટકારી છે. કોર્ટે માલ્યાને રૂ.2000નો દંડ પણ લગાવ્યો છે. જો દંડ નહીં ચુકવે તો 2 મહિનાની વધારાની સજા કરવામાં આવશે. કોર્ટે વિજય માલ્યાને વિદેશમાં ટ્રાન્સફર કરાયેલા 40 મિલિયન ડોલર 4 અઠવાડિયામાં ચૂકવવાનો આદેશ આપ્યો છે જો નહીં કરે તો સંપત્તિ જપ્ત કરાશે.  માલ્યા તેમની બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઇનના રૂ.9,000 કરોડના બેન્ક લોન ડિફોલ્ટના કેસમાં આરોપી છે.

માલ્યા માર્ચ 2016થી યુકેમાં છે. તે 18 એપ્રિલ 2017ના રોજ સ્કોટલેન્ડ યાર્ડે જારી કરેલા એક્સટ્રેડિશન વોરંટના કેસમાં હાલ જામીન પર છે.

આ આદેશ જારી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રેકોર્ડ પરના તથ્થો અને સંજોગોને ધ્યાનમાં લઈને તથા માલ્યાએ ક્યારેય પસ્તાવો વ્યક્ત કર્યો નથી કે માફી માગી નથી તે હકીકતને ધ્યાનમાં લઈને અમે ચાર મહિનાની જેલસજા અને રૂ.2,000ની પેનલ્ટી ફટકારીએ છીએ.

સુપ્રીમ કોર્ટે મે 2017ના ચુકાદાની સમીક્ષા કરવાની માલ્યાની અરજી 2020માં ફગાવી દીધી હતી. મે 2017ના ચુકાદામાં માલ્યને કોર્ટના આદેશની અવગણના કરીને પોતાના બાળકોને 40 મિલિયન ડોલર ટ્રાન્ફર કરવા બદલ કોર્ટના તિરસ્કારમાં દોષી જાહેર કરાયા હતા. કોર્ટે જણાવ્યું હતું કે આ ટ્રાન્ઝેક્શનના લાભાર્થી અને માલ્યાએ ચાર સપ્તાહમાં સંબંધિત રિકવરી ઓફિસર પાસે વાર્ષિક 8 ટકાના વ્યાજ સાથે આ રકમ જમા કરવાની રહેશે. આ આ રકમ જમા કરવામાં નહીં આવે તો રિકવરી ઓફિસર રિકવરી માટે યોગ્ય કાર્યવાહી કરી શકશે તથા ભારત સરકાર અને સંબંધિત તમામ એજન્સીઓ સંપૂર્ણ સહાય કરશે.

સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બનેલી 3 જજોની બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. હકીકતમાં ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વિજય માલ્યા વિરૂદ્ધ કોર્ટના આદેશ છતાં બાકી રકમ ન ચૂકવવા બદલ અરજી દાખલ કરી હતી.

કોર્ટે 10 માર્ચે માલ્યાની સજા પર ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે 5 વર્ષ પહેલા 9 મે 2017ના રોજ વિજય માલ્યાને કોર્ટના આદેશની અવમાનના માટે દોષિત ઠેરવતા તેમની સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી. હકીકતમાં વિજય માલ્યાએ પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો બેંકો અને સંબંધિત અધિકારીઓને આપી નહોતી.