કિંગફિશર એરલાઇન્સ અને યુબી ગ્રૂપના ફરાર ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે યુકેએ શનિવારે સ્પષ્ટતા કરી છે કે, ભારત કાનૂની કાર્યવાહી કરીને તેને દેશમાં પરત લાવી શકશે, તેમાં કોઇપણ પ્રકારની ઝડપી કાર્યવાહી થઇ શકશે નહીં. ભારતમાં નવનિયુક્ત બ્રિટિશ એમ્બેસેડર એલેક્સ એલિસને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે વિજ્ય માલ્યાનું પ્રત્યાર્પણ ક્યારે થશે તો તેમણે જણાવ્યું હતું કે પ્રત્યાર્પણની જે કાર્યવાહી છે તેનો અમલ કરવો જ પડશે. પ્રત્યાર્પણની કાર્યવાહીમાં પ્રસાશન અને ન્યાયતંત્ર સામેલ હોવાથી તેની કાર્યવાહી માટે જુદી જુદી કોર્ટમાંથી પસાર થવું પડશે. હોમ સેક્રેટરીએ આ અંગે પોતાનું કામ કર્યું છે. અત્રે નોંધનીય છે કે લીકરકિંગ વિજય માલ્યાના ઝડપી પ્રત્યાર્પણ માટે ભારત સરકાર યુકે પર દબાણ કરી રહી છે. યુકેની સુપ્રીમ કોર્ટ ભારતમાં પ્રત્યાર્પણ વિરૂદ્ધની માલ્યાની અપીલ ફગાવતા ભારતે યુકે પર આ અંગે દબાણ વધાર્યું હતું.
માલ્યા માર્ચ, 2016થી યુકેમાં છે અને 2017માં સ્કોટલેન્ડ યાર્ડ દ્વારા પ્રત્યાર્પણ વોરન્ટ ઇશ્યુ થયા પછી માલ્યા જામીન પર બહાર છે. એપ્રિલ, 2018માં હાઇકોર્ટે ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા અર્બુથનોટએ ચુકાદાને યોગ્ય ગણાવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે કિંગફિશર એરલાઇન્સના સુપ્રીમોને ભારતમાં ન્યાયિક પ્રક્રિયા માટે ઉપસ્થિત રહેવું પડશે.