પાકિસ્તાનમાં સર્જાયેલી રાજકીય કટોકટીનો શનિવારે અંત આવ્યો છે. વડાપ્રધાન ઈમરાન ખાને સંસદમાં બહુમતી મેળવી લીધી છે, તેમના પક્ષમાં 178 મત પડ્યા છે. તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ પર શનિવારે સંસદમાં થયેલા મતદાન થયું હતું.
અત્રે નોંધનીય છે કે પાકિસ્તાનમાં સેનેટ ચૂંટણીમાં નાણા પ્રધાન અબ્દુલ હફીઝ શેખની હારના કારણે ઈમરાન ખાન સરકારે સંસદમાં વિશ્વાસ મત મેળવવા પ્રસ્તાવ લાવવો પડ્યો. વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ સંસદમાં પ્રસ્તાવ રજૂ કર્યો અને સરકારના સમર્થનમાં 178 સાંસદોએ મત આપ્યા હતા.
અગાઉ વિરોધ પક્ષે આ પ્રસ્તાવ પર મતદાન દરમિયાન સંસદનો બહિષ્કાર કરતા ઈમરાન ખાનને રાહત મળી હતી. વિશ્વાસ મત પ્રસ્તાવ રજૂ થતાં પહેલા ઈમરાન ખાને પોતાના સાંસદોને જણાવ્યું હતું કે તેઓ પાર્ટીની નીતિનું પાલન કરે અને પછી જે સ્થિતિ ઊભી થાય તેનો સ્વીકાર કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, જો તેઓ વિશ્વાસનો મત ગુમાવશે તો વિરોધ પક્ષમાં બેસવા તૈયાર છે. કુલ 342 સભ્યો ધરાવતી પાકિસ્તાનની સંસદમાં પાકિસ્તાન તાહરીક-એ-ઈંસાફ(PTI)ના 157 સાસંદો છે.