અમેરિકાના લોસ એન્જલસમાં ફેડરલ ઇમિગ્રેશન અધિકારીઓ અને દેખાવકારો વચ્ચે સતત ત્રીજા દિવસે અથડામણો ચાલુ રહેતા રવિવારે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ ગાર્ડના 2,000 સૈનિકો તૈનાત કર્યા હતાં. યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (USICE)ના અધિકારીઓએ ઇમિગ્રેશન સંબંધિત શ્રેણીબદ્ધ હાઇ-પ્રોફાઇલ દરોડા પાડ્યા પછી લોસ એજન્સેલમાં વિરોધ ભભૂકી ઉઠ્યો હતો અને દેખાવકારો રસ્તા પર આવી ગયા હતાં. પોલીસે રવિવારે ઓછામાં ઓછા 10 અને અગાઉના દિવસે 29 લોકોની ધરપકડ કરી હતી.
નેશનલ ગાર્ડના સૈનિકોને ફેડરલ સરકારી ઇમારતોનું નજીક ગોઠવવામાં આવ્યાં હતાં. લોસ એન્જલસ પોલીસે ઘણી રેલીઓને “ગેરકાયદેસર સભાઓ” જાહેર કરી હતી. તથા કેટલાક દેખાવકારો પર કોંક્રિટ પ્રોજેક્ટાઇલ, બોટલ અને અન્ય વસ્તુઓ ફેંકવાનો આરોપ મૂક્યો હતો. રવિવારે સાંજે શહેરની એક શેરીમાં આલ્ફાબેટના વેમોની ઘણી સ્વ-ડ્રાઇવિંગ કારને આગ લગાવવામાં આવી હોવાનું વિડીયો ઈમેજોમાં જોવા મળ્યું હતું.શહેરની આસપાસના સ્થળોએ પ્રદર્શનકારીઓના જૂથો એકઠા થયા હતા, જેમાં ઘણાના હાથમાં મેક્સીકન ધ્વજ અને યુએસ ઇમિગ્રેશન અધિકારીઓની નિંદા કરતા પ્લેકાર્ડ હતાં.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે શહેરમાં વધતી જતી અરાજકતાને કાબુમાં લેવા ઓછામાં ઓછા 2,000 નેશનલ ગાર્ડ સૈનિકોને 60 દિવસ માટે તૈનાત કરવામાં આવશે. અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે એક્સ પરની એક પોસ્ટમાં ચેતવણી આપી હતી કે જો હિંસા ચાલુ રહેશે તો મરીન સૈનિકોને પણ તૈનાત કરાશે.
કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે નેશનલ ગાર્ડને તૈનાત કરવાના ટ્રમ્પના નિર્ણયની ટીકા કરીને તેને ઈરાદાપૂર્વકનું ઉશ્કેરણીજનક પગલું ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ફેડરલ સરકાર કેલિફોર્નિયા નેશનલ ગાર્ડનો કબજો લઈ રહી છે અને લોસ એન્જલસમાં 2,000 સૈનિકો તૈનાત કરી રહી છે. તેનું કારણ સુરક્ષા જવાનોની અછત નથી, પરંતુ ટ્રમ્પ સરકાર તમાશો કરવા ઇચ્છે છે.
શહેરના વધુ એક વિસ્તાર પેરામાઉન્ટમાં શનિવારે દેખાવો થયા હતાં. દેખાવકારોએ LAમાંથી ICEને બહાર કાઢો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતાં. ફેડરલ એજન્ટોએ દેખાવકારોને વિખેરી નાંખવા માટે માટે ટીયર ગેસ અને ફ્લેશ-બેંગ ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો. વિરોધીઓ મેક્સીકન ધ્વજ લહેરાવતા પણ જોવા મળ્યાં હતાં. દેખાવકારોએ એક વ્યસ્ત ચાર રસ્તા પર એક કારને આગ ચાંપી દીધી હતી. મોટરબાઈક પર સવાર એક વ્યક્તિ ઝડપથી દોડતા ફેડરલ વાહનો પર પથ્થરમારો કર્યો હતો.
