પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)ના ‘ઇકોનોમિક આઉટલુક’ રીપોર્ટમાં જણાવાયું હતું કે અમેરિકામાં GDP વૃદ્ધિ 2024ની 2.8 ટકાથી ઘટીને 2025માં 1.6 ટકા અને 2026માં 1.5 ટકા થવાનો અંદાજ છે. વૈશ્વિક વૃદ્ધિ 2024ની 3.3 ટકાથી ઘટીને 2025 અને 2026 બંનેમાં 2.9 ટકા થવાનો અંદાજ છે. ખાસ કરીને અમેરિકા, કેનેડા, મેક્સિકો અને ચીનમાં આર્થિક નરમાઈ જોવા મળશે, જ્યારે બીજા અર્થતંત્રોને તુલનાત્મક રીતે ઓછી અસર થશે.

રીપોર્ટમાં જણાવાયું હતું કે વૈશ્વિક આર્થિક નરમાઇ હોવા છતાં ભારત 2025માં 6.3 ટકા અને 2026માં 6.4નો મજબૂત આર્થિક વૃદ્ધિદર નોંધાવશે. વૈશ્વિક વેપાર સંઘર્ષ જેવા વિદેશી પરિબળો ભારતના નિકાસ ક્ષેત્ર પર નેગેટિવ અસર કરી શકે છે. બીજી બાજુ ચીન પોતાની આર્થિક તાકાત ગુમાવી રહ્યું છે. તેનો આર્થિક વૃદ્ધિદર 2024ના 5.0 ટકાથી ઘટીને 2025માં 4.7 ટકા અને 2026માં 4.3 ટકા થવાનો અંદાજ છે.

ફુગાવા અંગે જણાવાયું હતું કે કેટલાંક અર્થતંત્રોમાં ફુગાવાજન્ય દબાણમાં વધારો થઈ રહ્યું છે. ટેરિફમાં વધારાને કારણે વેપાર ખર્ચ વધશે અને તેનાથી ફુગાવાને વધુ વેગ મળશે. જોકે આ અસર કોમોડિટીના ભાવમાં નરમાઈને કારણે આંશિક રીતે સરભર થશે. જી-20 અર્થતંત્રોમાં ફુગાવાનો દર 6.2 ટકાથી ઘટીને 2025માં 3.6 અને 2026માં 3.2 ટકા થવાની ધારણા છે.

LEAVE A REPLY