પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વોડાફોન આઇડિયા અને ટાટા ટેલીસર્વિસિસ પાસેથી સરકારના બાકી નીકળતા લેણાનું ઇક્વિટીમાં રૂપાંતર કરાવવામાં આવતા તેના રાષ્ટ્રીયકરણની સંભાવનાએ વેગ પકડયો હતો. આના પગલે સરકારે સ્પષ્ટતા કરી હતી કે વીઆઇએલ, ટાટા ટેલીસર્વિસિસ કે ટીટીએમએલમાંથી એકપણ કંપની સરકારી જાહેર સાહસો નહી બને. આ ત્રણેય કંપનીઓનું સંચાલન ખાનગી કંપનીની જેમ જ જારી રહેશે. ઋણના ઇક્વિટીમાં રૂપાંતર પછી વીઆઇએલમાં સરકારનો હિસ્સો ૩૫.૮ ટકા અને ટીટીએમએલમાં ૯.૫ ટકા થયો છે.

ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વર્તમાન ઋણ પરના વ્યાજનું ઇક્વિટીમાં રૂપાંતર કરવા માટે સરકારને રજૂઆત કરનારી ટેલિકોમ કંપનીઓની વર્તમાન અને ભાવિ ઋણ જવાબદારી યથાવત્ રહેશે. દેવાના બોજ હેઠળ દટાયેલી વોડાફોન ઇન્ડિયા, ટાટા ટેલી સર્વિસિસ અને ટીટીએમએલે તેના પરના ઋણબોજના વ્યાજનું ઇક્વિટીમાં રૂપાંતર કર્યુ છે. તેમણે જણાવ્યું હતું કે સરકારની ભૂમિકા આમા રોકાણકાર તરીકે રહેશે. કંપનીનું સંચાલન વ્યવસાયિક રીતે થશે.

વોડાફોન આઈડિયાએ પણ સ્પષ્ટતા કરી હતી કે કંપનીમાં સરકાર સૌથી મોટી હિસ્સેદાર બનવા છતાં કંપનીને ચલાવવા માટે પોતાના હાથમાં લેવા અથવા બોર્ડ સભ્યની નિમણૂંક કરવામાં સરકારની કોઈ ઈચ્છા નથી. સરકારને ચૂકવવાની આવતી વ્યાજની રકમની સામે કંપનીની ઈક્વિટીઝ પૂરી પાડવાની ઓફરના કરેલા સ્વીકાર બાદ કંપનીના સીઈઓ રવિંદર ટક્કર દ્વારા આ ખુલાસો આવી પડયો હતો.