પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઓકટ્રી કેપિટલના સમર્થન સાથે અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓના કોન્સોર્ટિયમને વોડાફોન ગ્રૂપ પીએલસીના ભારતીય એકમ વોડાફોન આઇડિયાને ઉગારી લેવા માટે ઓછામાં ઓછા બે અબજ ડોલરના ફંડિગની ઓફર કરી છે, એમ આ ગતિવિધિથી માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

ભારતની અગ્રણી ટેલિકોમ કંપની વોડાફોન-આઈડિયા લિમિટેડ નાણાભીડનો સામનો કરી રહી છે ત્યારે આ હિલચાલ તેના માટે એક સારા સમાચાર છે. વોડાફોન પીએલસીની ભારતીય કંપની વોડા-આઈડિયા લિમિટેડને અંદાજે 2 અબજ ડોલરનું ફંડ આપવા માટે અમેરિકાની સૌથી મોટી રોકાણકાર કંપનીઓ ચર્ચા કરી રહી છે.

અમેરિકા ઈન્વેસ્ટમેન્ટ કંપની ઓકટ્રી અન્ય ભાગીદાર જેવા કે વાર્ડે પાર્ટનર્સ સાથે મળીને વોડાફોન આઈડિયામાં અંદાજે 2 અબજ ડોલરનું રોકાણ કરવા વાટાઘાટ કરી રહી છે, તેમ બ્લૂમબર્ગના એક અહેવાલમાં જણાવાયું છે. જોકે ઓકટ્રી, વાર્ડે અને વોડાફોનના પ્રતિનિધિનીઓએ આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

સપ્ટેમ્બરમાં ટેલિકોમ કંપનીએ શેર વેચીને અને દેવા થકી 3.4 અબજ ડોલર એકઠા કરવાની યોજનાની જાહેરાત કરી હતી, જેથી કંપનીની નાણાંકીય સ્થિતિ સુધરે અને ફરી બેઠી થઈ શકે. વોડાફોન આઈડિયા પર કુલ 15.48 અબજ ડોલરનું દેવું છે અને AGR કેસને કારણે તેમને મોટો ફટકો પડ્યો છે.