પ્રતિક તસવીર (Photo by Justin Sullivan/Getty Images)

કોવિડ-19ના વાયરસ સામે અસરકારક સુરક્ષા પ્રદાન કરી શકે તેવો નેસલ સ્પ્રે બર્મિંગહામ યુનિવર્સિટીની હેલ્થકેર ટેક્નોલોજીસ સંસ્થાની ટીમે યુકે, યુરોપ અને યુએસની રેગ્યુલેટરી સંસ્થાઓ દ્વારા વ્યાપકપણે મંજૂરી મેળવેલ સંયોજનોનો ઉપયોગ કરીને તૈયાર કર્યો છે. આ સામગ્રીનો ઉપયોગ તબીબી ઉપકરણો, દવાઓ અને ખાદ્ય ઉત્પાદનોમાં પહેલાથી જ થાય છે. જેથી આ સ્પ્રે વ્યાપારી ધોરણે ખૂબ ઝડપથી ઉપલબ્ધ થઈ શકે.

તેમણે શોધી કાઢ્યું છે કે સેલ-વાયરસ કલ્ચર સારવાર કર્યા પછી 48 કલાક સુધી ચેપ અટકાવે છે. આ સ્પ્રે બે પોલિસેકરાઇડ પોલિમરથી બનેલો છે. પ્રથમ, કેરેજીનન નામનું એન્ટિવાયરલ એજન્ટ, સામાન્ય રીતે ખોરાકને જાડો કરવા ઉપયોગમાં લેવાય છે, જ્યારે બીજુ સોલ્યુશન ગીલન, નાકની અંદરના સેલને ચોંટી રહેવાની ક્ષમતા માટે પસંદ કરવામાં આવ્યું હતું.

સ્પ્રે પ્રથમ, નાકની અંદર વાયરસને પકડીને તેને કોટીંગ કરે છે, જેને નાક સાફ કરીને કે ગળી જઇને દૂર કરી શકાય છે. બીજું આ વાયરસ પર કોટીંગ થઇ જતું હોવાથી આ વાયરસ શરીરમાં અસર કરતો નથી અથવા તો છીંક કે ઉચ્છવાસ દ્વારા બહાર ફેંકાતા લોકોને પ્રમાણમાં ઓછો ચેપ લગાવે છે.

સંશોધનના સહ-લેખક પ્રોફેસર લિયામ ગ્રોવર કહે છે: “આપણુ નાક દરરોજ હજારો લિટર હવાનું ફિલ્ટર કરે છે, પરંતુ ચેપથી વધારે રક્ષણ મળતું નથી, અને મોટાભાગના એરબોર્ન વાયરસ નેસલ પેસેજ દ્વારા ફેલાય છે. અમે તૈયાર કરેલું સ્પ્રે તેમાં રક્ષણ પૂરું પાડી શકે છે અને વાયરસને અન્ય વ્યક્તિમાં જતો અટકાવી શકે છે.”

ટીમનું માનવું છે કે આ સ્પ્રે ખાસ કરીને વિમાન અથવા શાળાઓના વર્ગો જેવા ભીડ ટાળી ન શકાય તેવા વિસ્તારોમાં ઉપયોગી થઈ શકે છે જ્યાં સ્પ્રેના નિયમિત ઉપયોગથી રોગના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

ડૉ. મોકસે ઉમેર્યું હતું કે “આ સ્પ્રે વાયરસના સંક્રમણને અટકાવવા અને ધીમું કરવા માટે સુરક્ષાનુ બીજુ સ્તર પૂરૂ પાડે છે પણ માસ્ક પહેરવા અને હાથ ધોવાની પ્રક્રિયા વાયરસના ફેલાવાને રોકવા માટે મહત્વપૂર્ણ રહેશે.”