(Photo by JOHANNES EISELE/AFP via Getty Images)

અમેરિકન બિઝનેસમેન વોરેન બફેટની સંપત્તિ બુધવારે 100 અબજ ડોલરને પાર થઈ ગઈ હતી. એ સાથે જ 90 વર્ષના વોરેન બફેટ 100 અબજ ડોલરની સંપત્તિ ધરાવતા બિઝનેસેમનની ક્લબમાં સામેલ થયા હતા અને આ કલબમાં તેમનું સ્થાન છઠ્ઠું છે, એમ બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં જણાવાયું છે. આ કલબના બીજા સભ્યોમાં જેફ બેઝો, એલન મસ્ક અને તેમના મિત્ર બિલ ગેટ્સનો સમાવેશ થાય છે.

અમેરિકામાં જંગી સ્ટીમ્યુલસ પેકેજ, સેન્ટ્રલ બેન્કની હળવી નાણાનીતિ અને તેના કારણે શેરબજારમાં ઉછાળાને કારણે તેમની સંપત્તિમાં ઝડપથી વધારો થયો છે. અમેરિકન ઉદ્યોગપતિ અને રોકાણકાર વોરેન બફેટની કંપનીના શેરમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો.

વોરેન બફેટ બર્કશાયર હેથવેના ચેરમેન છે અને આ કંપની તેમની સંપત્તિનો સ્રોત છે. બર્કશાયરના શેરમાં ચાલુ વર્ષે 15 ટકા તેજી આવી છે, આની સામે એસ એન્ડ પી ઇન્ડેક્સમાં 3.8 ટકા વધારો થયો છે. કંપનીએ જાહેર કર્યું હતું કે કોરોનાની અસર થઈ હોવા છતાં કંપનીનો ત્રિમાસિક નફો 35.8 બિલિયન ડોલર રહ્યો હતો. વોરેન બફેટ પહેલાં જેફ બેઝોસ, ઈલન મસ્ક, બિલ ગેસ્ટ, બર્નાર્ડ આર્નોલ્ટ અને માર્ક ઝકરબર્ગ આ ક્લબમાં સામેલ થઈ ચૂક્યા છે. આ પાંચ ઉદ્યોગપતિની સંપત્તિ 100 અબજ ડોલર કે તેનાથી વધુ છે.

180 બિલિયન ડોલરની સંપત્તિ સાથે જેફ બેઝોસ પ્રથમ, 173 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ઈલન મસ્ક બીજા, 138 બિલિયન ડોલરની સંપત્તિ સાથે બિલ ગેટ્સ ત્રીજા, 122 બિલિયન ડોલરની સંપત્તિ સાથે બર્નાર્ડ આર્નોલ્ટ ચોથા અને માર્ક ઝકરબર્ગ પાંચમા ક્રમે છે. બર્નાર્ડ આર્નોલ્ડ અને મુકેશ અંબાણીને બાદ કરતાં ટોપ-10 ઉદ્યોગપતિઓમાં અમેરિકન ઉદ્યોગપતિઓનો દબદબો યથાવત છે. મુકેશ અંબાણી 84.70 બિલિયન ડોલરની સંપત્તિ સાથે 10મા ક્રમે છે. 100 બિલિયન ડોલરની ક્લબમાં પણ પાંચ અમેરિકન ઉદ્યોગપતિઓ સામેલ છે.