અમેરિકામાં જો બાઇડન 20 જાન્યુઆરીએ પ્રેસિડન્ટ તરીકે સત્તા સંભાળે તે પહેલા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રીય રાજધાનીમાં ઇમર્જન્સીની જાહેરાત કરી હતી. ફેડરલ એજન્સીઓએ બાઇડનની શપથવિધી પ્રસંગે જોખમની આશંકા વ્યક્ત કર્યા બાદ પ્રેસિડન્ટને આ જાહેરાત કરી છે. વોશિંગ્ટનમાં સોમવારથી 24 જાન્યુઆરી સુધી ઇમર્જન્સી રહેશે.
વ્હાઇટ હાઉસે સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રેસિડન્ટના નિર્ણયથી હોમલેન્ડ સિક્યોરિટીઝ ડિપાર્ટમેન્ટ (DHS) અને ફેડરલ ઇમર્જન્સી મેનેજમેન્ટ એજન્સી ((FEMA) ને સંકલન સાધીને સ્થાનિક લોકોને થતી મુશ્કેલી અને યાતના દૂર કરવાના પગલાં લેવાની સત્તા મળશે.

ગયા સપ્તાહે પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા બાઇડના વિજયને મંજૂરીની મહોર મારવા માટે સંસદની બંધારણીય પ્રક્રિયા ચાલું હતી ત્યારે ટ્રમ્પના સમર્થકો સંસદ પરિસરમાં ઘુસી ગયા હતા અને હિંસા આચરી હતી. તેનાથી કેપિટોલ પોલીસ અધિકારી સહિત ચાર વ્યક્તિના મોત થયા હતા.

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર ઇમર્જન્સીની જાહેરાતથી જરૂરી તાકીદના પગલાં માટે યોગ્ય સહાય મળશે તથા તેનાથી ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયામાં હિંસાના જોખમને નિવારી શકાશે. તેનાથી લોકોના જીવન તથા પ્રોપર્ટી તથા જાહેર આરોગ્ય અને સુરક્ષા માટે યોગ્ય પગલાં લઈ શકાશે. ઇમર્જન્સીની જાહેરાતથી FEMAને તાકીદની સ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી ઉપકરણો અને સંશોધનોનો પોતાની રીતે ઉપયોગ કરવાની સત્તા મળે છે.