વ્હાઇટ હાઉસે સંકેત આપ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર H-1B વિઝા માટેની એક લાખ ડોલરની ફીમાં ડોકટરોને મુક્તિ આપી શકે છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા ટેલર રોજર્સે બ્લૂમબર્ગ ન્યૂઝને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા આદેશમાં સંભવિત મુક્તિઓને મંજૂરીની જોગવાઈ છે, ફિઝિશિયન અને મેડિકલ રેસિડન્ટનો સમાવેશ થઈ શકે છે.
ગયા અઠવાડિયે જારી કરાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં જણાવાયું હતું કે ચોક્કસ કામદારોની વ્યક્તિગત ધોરણે ભરતી કરવી અથવા ચોક્કસ કંપની અથવા ઉદ્યોગ માટે કામ પર રાખવાનું રાષ્ટ્રીય હિતમાં છે તો યુએસ સેક્રેટરી ઓફ હોમલેન્ડ સિક્યુરિટી આ તોતિંગ ફીમાં માફી આપી શકે છે.
ગ્રામીણ અમેરિકામાં ડોકટરોની અછતના જોખમ અંગે કેટલીક મોટી તબીબી સંસ્થાઓએ ચિંતા વ્યક્ત કર્યા પછી આ સ્પષ્ટતા કરવામાં આવી હતી. તબીબી વ્યાવસાયિકોએ ચેતવણી આપી હતી કે આ વિઝા ફી અમેરિકામાં પ્રવેશતા આંતરરાષ્ટ્રીય તબીબી સ્નાતકોના પ્રવાહને ગંભીર રીતે મર્યાદિત કરી શકે છે.
ફીમાં આ કરમતોડ વધારો 21 સપ્ટેમ્બરની સવાર 12.01થી અમલી બન્યો હતો. હાલમાં H-1B વિઝા ફી લગભગ 2000થી 5000 ડોલર સુધી છે. આ વર્ક વિઝા ત્રણ વર્ષ માટે માન્ય હોય છે અને તેને બીજા ત્રણ વર્ષ માટે રિન્યુ કરી શકાય છે.અને અમેરિકાની બહાર રહેલા એચ-1બી વિઝાહોલ્ડર્સને તાકીદે પરત ફરવા લાગ્યા હતાં. અમેરિકાની બહાર જઈ રહેલા ઘણા પ્રોફેશનલ વિમાનમાં બેઠા પછી પણ નીચે ઉતરી ગયાં હતાં.
જોકે વ્હાઇટ હાઉસે શનિવારે મોટી સ્પષ્ટતા કરી હતી કે $100,000 ફી ફક્ત નવા અરજદારો પર લાદવામાં આવતી “એક વખતની” ચુકવણી હશે. તે વાર્ષિક ફી નથી અને નવા વિઝા માટે લાગુ પડશે, રિન્યુઅલ માટે નહીં. અગાઉ શુક્રવારે યુએસ વાણિજ્ય પ્રધાન હોવર્ડ લુટનિકે જણાવ્યું હતું કે તે વાર્ષિક ધોરણે વસૂલવામાં આવશે, અને નવા વિઝા તેમજ રિન્યુ કરવા માંગતા લોકો પર લાગુ થશે. ટ્રમ્પના આ આદેશને કોર્ટમાં પડકારવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
