નવી દિલ્હીમાં 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો દરમિયાન, મંગળવાર, 23 સપ્ટેમ્બર, 2025એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનને 'શ્રેષ્ઠ અભિનેતા'નો એવોર્ડ એનાયત કર્યો હતો. (PTI Photo/Shahbaz Khan)

૭૧મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ મંગળવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતાઓને પુરસ્કારો એનાયત કર્યા હતાં શાહરૂખ ખાન, રાની મુખર્જી અને વિક્રાંત મેસીને અભિનય શ્રેણીમાં તેમનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ત્રણ દાયકાની કારકિર્દીમાં, શાહરૂખ ખાનને પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

મલયાલમ સિનેમાના દિગ્ગજ અભિનેતા મોહનલાલને સિનેમા ક્ષેત્રે ભારતના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં. 65 વર્ષીય મોહનલાલ મલયાલમ ફિલ્મોના સ્ટાર છે પરંતુ તેમણે દેશભરના લોકો પર પોતાની અભિનય કળાની છાપ છોડી છે.

શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને અનુક્રમે “જવાન” અને “૧૨મી ફેલ” માં તેમના શાનદાર અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ એનાયત કરાયો હતો, જ્યારે રાની મુખર્જીને “મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે” માં તેમના શક્તિશાળી અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ ‘વશ’ને મળ્યો હતો. જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર એવૉર્ડ આપવામાં આવ્યો હતો. વિધુ વિનોદ ચોપરા દિગ્દર્શિત “12મી ફેઇલ”ને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ અપાયો હતો. શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ “ધ કેરળ સ્ટોરી”માટે સુદીપ્તો સેનને મળ્યો હતો.

ફિલ્મ નિર્માતા કરણ જોહરની “રોકી ઔર રાની કી પ્રેમ કહાની”ને શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે મેઘના ગુલઝારની “સેમ બહાદુર”ને રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. “સેમ બહાદુર”ને કોસ્ચ્યુમ અને મેક-અપ માટે પણ બહુમાન મળ્યું હતું. જ્યુરીના વડા અને ફિલ્મ નિર્માતા આશુતોષ ગોવારિકરે વર્ષ 2023 માટેના રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી.

LEAVE A REPLY