(ANI Photo)

ચોમાસાની વિદાય પહેલા મેઘરાજાએ 25-26 સપ્ટેમ્બરે વડોદરા, સુરત, અમદાવાદ સહિતના અનેક વિસ્તારોને ઘમરોળ્યા હતાં. વડોદરામાં 25 સપ્ટેમ્બરે સાંજે 110 કિમીની ઝડપે પવન સાથે વરસાદ આવતાં વ્યાપક નુકસાન થયું હતું. શહેરમાં વરસાદ સંબંધિત ઘટનામાં 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળ્યા હતા તથા 300થી વધુ વૃક્ષો, વીજપોલ અને હોર્ડિંગ ધરાશાયી થઈ ગયાં હતું. આશરે 29થી વધુ વાહનોને નુકસાન થયું હતું.

26 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં રાજ્યના 52 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. નવસારી, છોટા ઉદેપુર, બારડોલી, ભરૂચ, નડિયાદ, ભાવનગર, દાહોદ સહિતના નગરોમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યના ઉમરપાડા, લીલીયા, સુરત શહેર, વડોદરા શહેર અને નવસારીમાં પણ વ્યાપ વરસાદ થયો હતો. રાજ્યમાં અત્યા સુધી સિઝનનો 128.24 ટકા વરસાદ થયો છે.

સુરત શહેરમાં 3.11 ઇંચ જ્યારે વડોદરામાં 3.03 ઇંચ વરસાદ નોંધાયો હતો. ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ પણ સાંજ સુધી વરસાદથી ભીંજાયેલું રહ્યું; જોકે, વરસાદ એટલો તીવ્ર ન હતો અને કુલ એક ઇંચથી ઓછો વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં 2.60 ઈંચ વરસાદ નોંધાયો હતો.

વડોદરામાં વાવાઝોડા સાથે માત્ર બે કલાકમાં 2.55 ઇંચથી વધુ વરસાદ થયો હતો. શહેરમાં બુધવારની રાત્રે દસ વાગ્યા સુધીમાં આશરે 3 ઇંચ વરસાદ થયો હતો. વડોદરા અને પાદરા જેવા જિલ્લાના અન્ય ભાગોમાં સાંજે 20 મિનિટ સુધી 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતાં 300થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. જ્યુબિલી બાગ સહિત ત્રણ જગ્યાએ વીજ થાંભલા પડી ગયા હતા. ભારે પવનને કારણે શહેરમાં અનેક હોર્ડિંગ્સ પણ પડી ગયા હતા. વૃક્ષો પડવાના કારણે લોકોને ઈજાઓ થવાના પણ અહેવાલ મળ્યાં હતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)નું સાઈનબોર્ડ પણ નીચે આવી ગયું હતું. એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં પણ સંખ્યાબંધ વૃક્ષો પડી ગયા હતા. શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

LEAVE A REPLY