અમેરિકાના આઇવાના ડેસ મોઇનીસમાં 15 જાન્યુઆરી 2022ના રોજ વિન્ટર સ્ટોર્મથી રસ્તા પર બરફ જામ્યો હતો. REUTERS/Rachel Mummey

અમેરિકાના પૂર્વ વિસ્તારમાં રવિવારે (16 જાન્યુઆરી) ભારે બરફ વર્ષા અને સુસવાટા મારતા પવન સાથે આવેલા શક્તિશાળી શિયાળુ તોફાનથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. લાખો લોકો ઘરમાં કેદ થઈ ગયા હતા. આ તોફાનને કારણે રવિવારની સાંજ સુધીમાં 130000 ઘરોમાં વીજળી ગૂલ થઈ હતી. નોર્થ કેરોલિનામાં 90,000 મકાનોમાં અંધારપટ છવાયો હતો.

નોર્થ કેરોલિના હાઇવે પેટ્રોલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે રોડ પર બરફ જામી જતાં 300 કાર અકસ્માત થયા હતા અને મદદ માટે આશરે 800 કોલ આવ્યા હતા. એક કાર ઝાડ સાથે અથડાતા સાઉથ કેરોલિનામાં બે લોકોના મોત થયા હતા.

જ્યોર્જિયા, સાઉથ કેરોલિના, ફ્લોરિડા અને કેન્ટુકીના કેટલાંક વિસ્તારોમાં પણ વીજળી ગૂલ થઈ હતી. નેશનલ વેધર સર્વિસે સાઉથવેસ્ટ ફ્લોરિડામાં પ્રતિ કલાક 190 કિમીની ઝડપથી પવન સાથેના એક વાવાઝોડું ફૂંકાયાને પુષ્ટી આપી હતી. તેનાથી 30 મોબાઇલ હોમનો નાશ થયો હતો, 51 ઘરોને નુકસાન થયું હતું.

નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે આ શિયાળુ તોફાન સાથે ભારે બરફવર્ષા અને ઝડપી પવનોને કારણે જીવન મુશ્કેલ બન્યું હતું. શિયાળુ તોફાને ન્યૂ ઇંગ્લેન્ડ અને દક્ષિણ કેનેડામાં આગળ વધતા દક્ષિણ પૂર્વ અને દરિયા કાંઠાના એટલાન્ટિક વિસ્તારોને ઝપટમાં લીધા હતા.

આ કુદરતી આપત્તિને કારણે ટ્રાફિક લગભગ ખોરવાઈ ગયો હતો અને હજારો ફ્લાઇટ રદ થઈ હતી. નોર્થ કેરોલિનામાં વ્યસ્ત ઇન્ટરસ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. દક્ષિણમાં આર્કાન્સાસ અને ઉત્તરપૂર્વમાં મેઈન રાજ્ય સુધીના માર્ગ પર ડ્રાઇવિંગ જોખમી બન્યું હતું.

આ તોફાન ફ્લોરિડામાં નુકસાનકારક વાવાઝોડામાં ફેરવાયું હતું અને દરિયાકાંઠાના કેટલાંક વિસ્તારમાં પૂર આવ્યું હતું. કેરોલિના અને એપાલેશિયન પર્વત સુધીના વિસ્તારોમાં બરફ અને ભારે પવનથી ચિંતા ઊભી થઈ હતી. યુએસ મીડિયાના જણાવ્યા અનુસાર આશરે 80 મિલિયન લોકોને વિન્ટર વેધર એલર્ટ આપવામાં આવ્યો હતો. રવિવારે બપોર સુધીમાં આશરે 2,900 ફ્લાઇટ કેન્સલ થઈ હતી અને 2,400 ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો.

જ્યોર્જિયા, વર્જિનિયા અને નોર્થ કેરોલિનામાં સ્ટેટ ઓફ ઇમર્જન્સી જાહેર કરાઇ હતી. રાજ્યમાં રોડ પરથી બરફ દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. નોર્થ કેરોલિનામાં એક ફૂટ કરતાં વધુ બરફ પડ્યો હતો. પેન્સાકોલો અને ફ્લોરિડાના રસ્તા પર પણ બરફના થર ખડકાયા હતા.