પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાની ટ્રમ્પ વહીવટીતંત્રે આર્મીમાં સૈનિકો માટે દાઢી રાખવા પર પ્રતિબંધ મૂક્યો હોવાથી શીખ સમુદાયમાં રોષ જોવા મળ્યો હતો. સરકારના આ નિર્ણયથી હવે અમેરિકાના શીખો ઉપરાંત ઓર્થોડોક્સ યહુદી અને મુસ્લિમો પણ વિરોધ કરી રહ્યાં ચે.

અમેરિકાના સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે એક નવો આદેશ જાહેર કર્યો હતો. 30મી સપ્ટેમ્બરે જાહેર કરાયેલી આ સખત ગ્રૂમિંગ નીતિ અંતર્ગત અમેરિકાના સૈન્યમાં હવે સૈનિકો દાઢી રાખી શકશે નહીં. એટલે કે મોટાભાગના સૈનિકો માટે દાઢી પર પ્રતિબંધ મૂકાયો છે. ફક્ત કેટલીક સ્પેશિયલ ફોર્સ યુનિટોને મર્યાદિત છૂટ અપાઈ છે.

હેગસેથે જણાવ્યું હતું કે આ નિર્ણય શિસ્ત અને યુદ્ધ ક્ષમતાને કાયમ કરવા માટે જરુરી છે. સૈન્યમાં અનુચિત વ્યક્તિગત અભિવ્યક્તિ અને ફાલતું શેવિંગ પ્રોફાઇલ્સને ખતમ કરવામાં આવશે. તમામ સૈન્ય શાખાઓમાં આ નીતિ 60 દિવસની અંદર લાગુ કરાશે.

શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ના પ્રમુખ હરજિંદર સિંહ ધામીએ સોમવારે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ યુએસ સેનામાં દાઢી રાખવા પર પ્રતિબંધનો મુદ્દો યુએસ સંરક્ષણ પ્રધાન સમક્ષ ઉઠાવે જેથી ખાતરી કરી શકાય કે શીખો કોઈપણ ભેદભાવ વિના તેમના ધર્મનું પાલન કરી શકે.પોતાના પત્રમાં, ધામીએ કહ્યું કે આ નિર્ણયથી શીખ સમુદાયની ધાર્મિક લાગણીઓ અને માન્યતાઓને ઠેસ પહોંચી છે. આ પ્રતિબંધ તાત્કાલિક પાછો ખેંચવામાં આવે.

LEAVE A REPLY