ઓબીસી નેતા જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના નવા પ્રમુખ બનશે. શુક્રવારે આ પદ માટે ઉમેદવારી પત્ર દાખલ કરનારા તેઓ એકમાત્ર ઉમેદવાર હતાં. શનિવારે ગાંધીનગર સ્થિત ભાજપ મુખ્યાલયમાં પ્રદેશ ભાજપ પ્રમુખની સત્તાવાર જાહેરાત કરાશે.
રાજ્ય ભાજપના પ્રવક્તા અને મીડિયા સંયોજક યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે વિશ્વકર્મા ગુજરાત ભાજપના ચૂંટાયેલા પ્રમુખ છે. ઔપચારિક જાહેરાત અને ચાર્જ સંભાળવાનો સમારોહ શનિવારે સવારે 10 વાગ્યે ગાંધીનગરમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાશે.
52 વર્ષીય વિશ્વકર્મા અમદાવાદની નિકોલ બેઠક પરથી ત્રણ વખતના ધારાસભ્ય છે, તેઓ હાલમાં સહકાર, મીઠા ઉદ્યોગો, MSME, કુટીર, ખાદી અને ગ્રામીણ ઉદ્યોગોના રાજ્યપ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે.તેઓ અગાઉ ભગવા પક્ષના અમદાવાદ શહેર એકમના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે.
ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે વિશ્વકર્મા કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન અને નવસારીથી લોકસભા સાંસદ સી.આર. પાટિલનું સ્થાન લેશે, જેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ જુલાઈ 2023માં સમાપ્ત થયો હતો. ભાજપે ગુરુવારે તેના પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું.
જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવતા, તેમની સામે આગામી સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાનો અને કાર્યકરોમાં નવો ઉત્સાહ ભરવાનો મોટો પડકાર રહેશે. તેઓ જમીની સ્તરે કાર્યકરો સાથેના જોડાણ અને સંગઠનની વ્યૂહરચનામાં ફેરફાર લાવવા માટે જાણીતા છે. ભાજપ હાઈકમાન્ડે રાજ્યમાં સંગઠન અને શાસન વચ્ચે સંતુલન જાળવવા તેમજ કાર્યકરોને યોગ્ય નેતૃત્વ પૂરું પાડવાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
