સરકાર
(ANI Photo)

ગુજરાત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકાસના 24 વર્ષ નિમિત્તે 7 ઓક્ટોબરથી “વિકાસ સપ્તાહ”ની ઉજવણી ચાલુ કરી હતી. આ સપ્તાહ રાજ્યભરમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ શરૂ કરાશે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે

પત્રકારો સાથે વાતચીત કરતા, રાજ્યના આરોગ્ય પ્રધાન અને સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મોદીએ 7 ઓક્ટોબર, 2001ના રોજ પહેલી વાર ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા અને પછી 2014માં વડાપ્રધાન બન્યા હતાં. ૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ શરૂ થયેલી ગુજરાતની વિકાસ યાત્રા ૨૪ વર્ષ પૂર્ણ કરશે. આ અવસરને ઉજવવા માટે રાજ્ય સરકાર ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવશે, જેમાં રાજ્યભરમાં વિવિધ પ્રજાલક્ષી પ્રોજેક્ટ્સ શરૂ કરાશે અને કાર્યક્રમોનું આયોજન કરાશે. સપ્તાહ દરમિયાન, દરેક દિવસ 10 વિભાગોની સીધી ભાગીદારી રહેશે અને તેની થીમ અલગ અલગ હશે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રધાનો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે રાજ્ય વિધાનસભા પરિસરમાં “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લેશે. તેવી જ રીતે, રાજ્યના તમામ જિલ્લાઓમાં કલેક્ટર કચેરીઓ, સરકારી કચેરીઓ, શાળાઓ અને કોલેજોમાં આવા શપથ લેવામાં આવશે.

વિકાસ સપ્તાહમાં વિવિધ પ્રોગ્રામનો આયોજન કરાશે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્ય યોજનાઓનું પ્રદર્શન, ઓનલાઈન ક્વિઝ સ્પર્ધા, શાળાઓ અને કોલેજોમાં નિબંધ સ્પર્ધાઓ, વ્યાખ્યાન શ્રેણી, મહત્વપૂર્ણ સ્થળોએ ‘પદયાત્રા’ અને દૈનિક નમોત્સવ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે.

ક્રિકેટરો હાર્દિક પંડ્યા અને તિલક વર્મા સાથે એક ખાસ પોડકાસ્ટનું પણ આયોજન કરાશે. વડોદરામાં યુવાનોની ભાગીદારી પર એક વિચારમંથન સત્ર યોજાશે, જેમાં 1,000થી વધુ વિદ્યાર્થી વિકસિત ભારત 2047ના સંકલ્પ પર ચિંતન કરવા અને તેને મજબૂત કરવા માટે એકઠા થશે.

7 ઓક્ટોબરના રોજ, સહકારી સંસ્થાઓના સભ્યો સહકારી ક્ષેત્રને મળેલા લાભો અને GST સુધારાઓ માટે પીએમ મોદીનો આભાર માનવા માટે એક કરોડથી વધુ પોસ્ટકાર્ડ મોકલશે.સહકારી વિભાગે પ્રધાનમંત્રીની વિકાસલક્ષી પહેલ દ્વારા સમાજના તમામ વર્ગોમાં થયેલા સામાજિક-આર્થિક લાભો અને સકારાત્મક ફેરફારોને પ્રકાશિત કરવા માટે આ પોસ્ટકાર્ડ્સ તૈયાર કર્યા છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 7 ઓક્ટોબરના રોજ નાગરિકો માટે એક પોસ્ટકાર્ડ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

8 ઓક્ટોબરના રોજ ગાંધીનગરમાં એક રોજગાર મેળો યોજાશે અને 33 જિલ્લાઓમાં આવા મેળાઓનું આયોજન કરાશે. 50,000થી વધુ યુવાનોને રોજગાર પત્રો પ્રાપ્ત થશે, જ્યારે 25,000 થી વધુ ITI વિદ્યાર્થીઓને કામચલાઉ પ્લેસમેન્ટ ઓફર લેટર આપવામાં આવશે. વધુમાં ITIના અપગ્રેડેશન માટે ઔદ્યોગિક ગૃહો સાથે 100થી વધુ MOU પર હસ્તાક્ષર કરાશે.

તેમણે જણાવ્યું હતું કે, 9 અને 10 ઓક્ટોબરના રોજ, રાજ્ય સરકાર મહેસાણા ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’નું આયોજન કરશે, જેમાં MSME કોન્ક્લેવ, ઉદ્યોગસાહસિક સહાય મેળો, વિક્રેતા વિકાસ કાર્યક્રમ અને પ્રાદેશિક પુરસ્કારો જેવા કાર્યક્રમો યોજાશે.૧૧ ઓક્ટોબરના રોજ રાજકોટમાં એક કાર્યક્રમ યોજાશે જ્યાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને તેમના લાભો પ્રાપ્ત થશે.

12 અને 13 ઓક્ટોબરે સ્વદેશી મેળા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાશે. આ ઉપરાંત રાજ્યભરની નગરપાલિકાઓમાં વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહ યોજાશે. કૃષિ પ્રદર્શનો અને પશુ આરોગ્ય મેળાઓ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે રવિ કૃષિ મહોત્સવ 14 ઓક્ટોબરના રોજ યોજાશે.

૧૫ ઓક્ટોબરે ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે ૩,૩૨૬ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા માટે એક કાર્યક્રમ યોજાશે.

LEAVE A REPLY