ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ પદે નિકોલના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના સહકાર પ્રધાન જગદીશ પંચાલ (વિશ્વકર્મા)ની વરણી થઇ છે. ગાંધીનગર નજીક પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે સંગઠન પર્વ કાર્યક્રમ દરમિયાન પક્ષના પ્રદેશ પ્રભારી અને કેન્દ્રિય પ્રધાન ભૂપેન્દ્ર યાદવે તેમના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. સ્ટેજ પર રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ પ્રધાન અને રાજ્યના પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ હાજર રહ્યા હતા.
રાષ્ટ્રીય નેતૃત્ત્વએ OBC સમાજમાંથી આવતા જગદિશ પંચાલની પસંદગી કરતાં શનિવારે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે એક માત્ર તેમનું જ ફોર્મ ભરાયું હતું. ચૂંટણીને કોઇ અવકાશ ન હોવાથી શનિવારે ઔપચારિક રીતે જગદીશ વિશ્વકર્માને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ તથા સહકારિતા પ્રધાન અમિત શાહના વિશ્વાસુ એવા વિશ્વકર્માએ પોતાનો નવો પદભાર સંભાળ્યો હતો.
નવા સુકાની પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતું કે, ‘મને જે જવાબદારી આપી છે, તે બદલ તમામને હું વંદન કરું છું. સી. આર. પાટીલે સંગઠનને વધુ મજબૂત બનાવાનું કામ કર્યું છે. મારા જેવા બૂથની જવાબદારી નિભાવતા કાર્યકરને આ જવાબદારી આપી છે. આ જવાબદારીની સાચી ઓળખ મારી સામે બેઠેલો કાર્યકર છે. મારી ઓળખ કેસરિયો ખેસ છે. પ્રદેશ પ્રમુખ ઓળખ નથી, પરંતુ ભાજપનો કાર્યકર્તા ઓળખ છે. હું કાર્યકરોને વિનંતી કરું છું કે 25 વર્ષથી જનતાએ આપણા પર ભરોસો મૂક્યો છે જેથી આપણી જવાબદારી વધી છે.’ હવે જગદિશ વિશ્વકર્મા સરકારમાં પ્રધાન પદેથી રાજીનામું આપીને સંગઠનની જવાબદારી સંભાળશે. આ સાથે ​દિવાળી સુધીમાં પ્રધાનમંડળમાં પણ ફેરફાર થાય તેવી પ્રબળ સંભાવના છે.
52 વર્ષીય નિકોલ બેઠકના ધારાસભ્ય છે. અમદાવાદમાં ૧૨ ઓગસ્ટ, ૧૯૭૩ના રોજ જન્મેલા વિશ્વકર્માએ ૧૯૯૮થી ઠક્કરબાપાનગરમાં બૂથ પ્રભારી તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. બી.એ. સુધીનો અભ્યાસ કરેલા વિશ્વકર્મા વ્યવસાયે ઉદ્યોગપતિ છે. ૨૦૧૨માં પ્રથમવાર નિકોલ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. ૨૦૧૩માં ઉદ્યોગ સેલના સંયોજક પછી અમદાવાદ મહાનગરના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી. 2021થી સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે જવાબદારી સંભાળી.

 

LEAVE A REPLY