દિલ્હીમાં આંદોલનકારી ખેડૂતોએ ગુરુવારે ગાઝીપુર બોર્ડર પર પ્રાર્થના કરી હતી. (PTI Photo/Ravi Choudhary)

કૃષિ ક્ષેત્રમાં સુધારાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ગુરુવારે રેલ રોકો સહિતના પગલાંની જાહેરાત કરી હતી. ખેડૂત નેતાઓએ કહ્યું કે, અમે 10મી તારીખનું અલ્ટીમેટમ આપ્યું હતું. વડાપ્રધાન અમારી વાત નહીં સાંભળે અને કાયદાઓ રદ નહીં કરે તો હવે ધરણાં પર હાઈવે ઉપરાંત રેલવે ટ્રેક પર ધરણા કરવામાં આવશે.

ગુરુવારની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે સમગ્ર દેશના લોકોને રેલવે ટ્રેક પર લવાશે. બીજીબાજુ કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને આંદોલન ખતમ કરવાની વિનંતી કરી હતી. સિંધુ બોર્ડરથી ખેડૂત નેતા બૂટાસિંહે જણાવ્યું હતું કે કે ખેડૂતો હાઇવે અને રેલવે ટ્રેક પર ધરણા માટે આગામી સમયમાં તારીખો જાહેર કરશે. પંજાબમાં ટોલ પ્લાઝા, મોલ, રિલાયન્સના પમ્પ, ભાજપ નેતાઓની ઓફિસ અને ઘરો આગળ ધરણાં હજી પણ ચાલુ છે. 14મી તારીખે પંજાબની બધી જ જિલ્લા ઓફિસોની બહાર ધરણાં કરાશે. વડાપ્રધાન કહે છે કે વાતચીત ચાલુ રહેવી જોઈએ અને અમારૂં પણ એમ જ માનવું છે.

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે કે 12 ડિસેમ્બરે ખેડૂતો ટોલ ફ્રી કરાવશે. સરકારે ખેડૂતો સાથે મળીને એમએસપી પર કાયદો બનાવવાની જરૂર હતી. ગુરુવારે સિંધુ બોર્ડર પર ખેડૂતોની બેઠક યોજાઈ હતી. તેમાં નિર્ણય લેવાયો છે કે ખેડૂતો ત્રણે બિલો પાછા ન ખેંચાય ત્યાં સુધી માનશે નહીં.

ભારતીય કિસાન સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજેશ ચૌહાણ પણ સિંધુ બોર્ડરની બેઠકમાં જોડાયા હતા. તેમણે કહ્યું કે સરકાર શબ્દોમાં હેરાફેરી કરી રહી છે. ખેડૂતો ગુંચવાશે નહીં. આ ખેડૂતોના સન્માન, રોટી અને રોજગારી સાથે તેમના બાળકોના ભવિષ્યની લડાઈ છે.